ભરૂચ: (Bharuch) ઔદ્યોગિક એકમોથી ભરપૂર એવા ભરૂચ જિલ્લામાં (Bharuch District) અવારનવાર એકમોમાં આગ (Fire) લાગવાની બાબતો સામે આવતી હોય છે. જિલ્લાના દહેજ, અંકલેશ્વર સહિત ઝઘડિયા જેવા વિસ્તારોમાં આવેલી કંપનીઓમાં (Company) આગ લાગવાની બાબત જાણે કે છેલ્લા બે માસથી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં વધુ એક ઘટના દહેજ ખાતેથી સામે આવી છે.
- દહેજની કેમોક્સ ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતાં દોડધામ
- આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતાં આસપાસના લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા
- ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી
ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલી કેમોકસ ફાર્મા કંપનીમાં સાંજના સમયે અચાનક બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી હતી. આગની જ્વાળાઓ વચ્ચે તમામ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઘટના અંગેની જાણ નજીકના ફાયર વિભાગમાં કરવામાં આવતાં ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. આગના પગલે એક સમયે કર્મીઓ સહિત સ્થાનિકોમાં દોડધામ મચી હતી. આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતાં આસપાસના લોકોમાં જીવ પણ ટાળવે ચોંટ્યા હતા. જો કે, ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાતાં ઉપસ્થિત તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
બારડોલી મીંઢોળા પુલ પર ચાલતી કારમાં આગ લાગતાં અફરાતફરી
બારડોલી : બારડોલીના મીંઢોળા નદીના પુલ પર સોમવારે મોડી સાંજે એક કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીની સુરતી પાર્ક સોસાયટીમાં રહેતા મુઝફરખાન પઠાણ સોમવારે સાંજે ઉન પાટિયાથી બારડોલી તરફ આવી રહ્યા હતા. ત્યારે મીંઢોળા નદીના પુલ પર તેમની સ્વીફ્ટ કારમાં અચાનક આગ લાગતાં ચાલક સહિત અંડર્નસવાર ત્રણ વ્યક્તિઓ સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બારડોલી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. બારડોલી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગથી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ શોર્ટ સર્કિટને લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગને કારણે રોડ પર થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.