ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં ગુરુવારે તા.૧ ડિસેમ્બરે વહીવટી તંત્રની તૈયારીના ભાગરૂપે મતદાન (Voting) થશે. પાંચ વિધાનસભામાં કુલ ૩૨ ઉમેદવાર વચ્ચે ખરાખરીનો ચૂંટણી (Election) જંગ જામશે. સવારે આઠના ટકોરે મતદાનનો પ્રારંભ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે. પાંચેય વિધાનસભામાં ૧૨,૬૫,૫૮૮ મતદાર ઉમેવારોનાં ભાવિ નક્કી કરશે.
ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભામાં જિલ્લામાં ૧૩૫૯ મતદાન મથક ઊભાં કરવામાં આવ્યાં છે. આ વખતે ઝઘડિયા વિધાનસભામાં યુવાઓ દ્વારા સંચાલિત મતદાન મથક તથા આલિયા બેટમાં ટેમ્પરરી શિપિંગ કન્ટેનરમાં ૨૧૭ જેટલા મતદારોને ૮૨ કિ.મી. જેટલું અંતર ન કાપવું પડે એ માટે સ્થાનિક કક્ષાએ સુવિધા સાથે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી ભરૂચ બેઠક પર ૭ ઉમેદવાર, અંકલેશ્વર બેઠક પર ૪, વાગરા બેઠક પર ૯, જંબુસર બેઠક પર ૭ અને ઝઘડિયા બેઠક પર ૫ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લામાં સાત હજારથી વધુનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં 1359 મતદાનમથક પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે
ભરૂચ: રાજ્યમાં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લામાં ચૂંટણી દરમિયાન મતદાન મથકો પર ફરજ બજાવનાર અધિકારીઓ-કર્મચારીઓને તા.૩૦ નવેમ્બર, ૨૦૨૨ના રોજ તેમની ચૂંટણી ફરજ માટેના ઈ.વી.એમ. અને વી.વી.પી.એ.ટી. મશીન સોંપવામાં આવ્યાં હતાં.
જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ઉચ્ચ અધિકારીઓના હસ્તે જંબુસર વિધાનસભાથી પ્રિસાઈડિંગ અધિકારી તથા સ્ટાફને મતદાન સામગ્રી ફાળવવામાં આવી હતી. જિલ્લામાં ગુરુવારે તા.૧ ડિસેમ્બરે જિલ્લાના કુલ ૧૩૫૯ મતદાનમથક પર કુલ ૧૯૨૭ બેલેટ યુનિટ, ૧૯૨૭ કંટ્રોલ યુનિટ તેમજ ૨૦૪૦ જેટલાં વીવીપેટની ફાળવણી થઈ છે. જેમાં વિગતવાર જોઈએ તો મતદાન મથકોમાં જંબુસરમાં ૩૯૬ બેલેટ યુનિટ, ૩૯૬ કંટ્રોલ યુનિટ તથા ૪૧૯ જેટલાં વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે.
વાગરાં વિધાનસભામાં ૩૫૩ બેલેટ યુનિટ, ૩૫૩ કંટ્રોલ યુનિટ તથા ૩૭૪ જેટલાં વીવીપેટની ફાળવણી થઈ છે. વધુમાં ઝઘડિયા વિધાનસભામાં ૪૫૫ બેલેટ યુનિટ, ૪૫૫ કંટ્રોલ યુનિટ તથા ૪૮૨ જેટલાં વીવીપેટની ફાળવણી થઈ છે. ભરૂચ વિધાનસભામાં ૩૫૭ બેલેટ યુનિટ, ૩૫૭ કંટ્રોલ યુનિટ તથા ૩૭૮ જેટલાં વીવીપેટની ફાળવણી થઈ છે. ઉપરાંત અંકલેશ્વર વિધાનસભામાં ૩૬૬ બેલેટ યુનિટ, ૩૬૬ કંટ્રોલ યુનિટ તથા ૩૮૭ જેટલાં વીવીપેટની ફાળવણી થઈ છે.