Dakshin Gujarat

ભરૂચમાં છેલ્લા દિવસે ચૂંટણી ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો, જાણો કયા પક્ષમાંથી કેટલા ઉમેદવારો

ભરૂચ: (Bharuch) સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં (Election) છેલ્લા દિવસે ચૂંટણી ફોર્મ ભરવા ભરૂચમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉમેદવારો તેમના ટેકેદારો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા આવતાં કલેકટર કચેરીનું કેમ્પસ ઉભરાયું હતું. ભાજપ (BJP) આ પાલિકાના તમામ ઉમેદવારોએ (Candidate) ગતરોજ ફોર્મ ભરી દીધા હતા. છેલ્લા દિવસે જનતા અપક્ષ, આપ, એચ.એન.ડી., કોંગ્રેસ, બી.ટી.પી, એ.આઈ.એમ.આઈ.એમ સહિતના વિવિધ રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ જાણે કે શહેરમાં રાજકીય માહોલમાં ગરમાટો આવી ગયો હતો. જોકે આ વખતે ચૂંટણી સમીકરણો બદલાય તેવી શક્યતાને પગલે ભરૂચવાસીઓની નજર પરિણામ પર ટકેલી છે.

ભરૂચ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે માહોલ થોડો બદલાયો હોય તેમ લાગે છે. ભાજપના વહીવટથી લોકોમાં નારાજગી ઉભી થઇ હોય તેમ લાગી રહ્યું છે. પરિણામે એક તરફ ભરૂચમાં 11 વોર્ડમાં અપક્ષ ઉમેદવારોએ ભેગા થઈ જનતા અપક્ષના નામે ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે. તો બીજી બાજુ હિન્દુસ્થાન નિર્માણ દલ પણ મેદાનમાં આવ્યું છે. ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જનતા અપક્ષ અને એચ.એન.ડી.એ સયુંકત રીતે શક્તિનાથ ખાતેથી વાજતે ગાજતે રેલી કાઢી હતી.

મનહર પરમાર, ધવલ કનોજીયા, કમલેશ મઢીવાલા સહિત ઉમેદવારો અને સમર્થકો વાજતે ગાજતે કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે શહેરના 11 વોર્ડની 44 બેઠકોમાંથી 28 બેઠકો પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેને લઈ આ વખતે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે તેમ લાગી રહ્યું છે. મનહર પરમાર ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે વોર્ડ 8 માંથી વિજેતા થયા હતા. પાછળથી તેમણે ભાજપને સમર્થન આપ્યું હતું. તેમને આ વખતે ટિકિટ અપાઈ નથી. જેને લઈ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.


કોંગ્રેસે તેમના ઉમેદવારોને મેન્ડેટ આપ્યા ન હતા છતાં કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવી
છેલ્લા દિવસ સુધી કોંગ્રેસે તેમના ઉમેદવારોને મેન્ડેટ આપ્યા ન હતા આમ છતાં સંભવિત ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરી ખાતે આવી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં શમશાદઅલી સૈયદ, સલીમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકલ સહિતના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પાત્રો ભર્યા હતા. ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટી, બી.ટી.પી.-આઈમીમ, એન.સી.પી. સહિતના વિવિધ પક્ષના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top