ભરૂચ: ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામે રહેતા અને ઈખર ગામે ડોક્ટરની પ્રેકટીસ કરતા બશીરઅહેમદ ઇબ્રાહીમભાઈ મહમદભાઈ મનમન સાથે સાયબર ફ્રોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડોકટરે ભરૂચ સાઈબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયામાં જણાવ્યું હતું કે, તેમના પર 22મી સપ્ટેમ્બર, 2024ના રોજ એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (TRAI)ના અધિકારી હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતંુ કે, તમારા નામે મુંબઈમાંથી સીમકાર્ડ ખરીદવામાં આવેલ હતો અને તેના દ્વારા 6.80 કરોડની છેતરપીંડી આચરવામાં આવી છે, તેમાંથી 68 લાખ રૂપિયા તમારા ખાતામાં આવેલ છે. તેમ કહી આધારકાર્ડ, બેંક બેલેન્સ સહિતની વિગતો માંગી હતી.
ડોકટરે ગભરાઈને તમામ માહિતી આપી દીધી હતી. બાદમાં સીબીઆઈ હેડ કવાર્ટર પરથી પ્રદિપ સાવંત નામની ઓળખ સાથે એક શખસે ફોન કર્યો હતો. વ્હોટસ એપ પર વિડિયો કોલ મારફતે પણ પોલીસના યુનિફોર્મ પહેરેલી વ્યક્તિઓના વિડિયો કોલ આવ્યા હતા. તેઓએ મોટા કેસની ધમકી આપી નાણાંની માંગણીની શરૂઆત કરી હતી અને સીબીઆઈના ખાતામાં રૂપિયા ઓનલાઈન જમા કરશો તો ધરપકડથી બચી જશો, તેવું જણાવી ડોકટર પાસેથી 14 લાખ રૂપિયા ઓનલાઈન સેરવી લીધા હતાં.
સાયબર ચાંચિયાઓએ વિશિષ્ટ રીતે આચરેલા સ્કેમમાં, આરોપીઓએ વીડિયો કોલ અને વોટ્સએપ મેસેજનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અધિકારી, સીબીઆઈના અધિકારી અને ટ્રાઈના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ડોક્ટરને ધરપકડની ધમકી આપી. ખોટા દસ્તાવેજો અને સીબીઆઈના લોગો દર્શાવતા ફોટોગ્રાફ બતાવી, તેમણે ડોક્ટરને ખાતામાંથી રૂપિયા 14 લાખ RTGS મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. જેની ડોકટરને જાણ થતાં ડોકટર બશીરઅહેમદ ઇબ્રાહીમભાઈ મહમદભાઈ મનમન દ્વારા ડોક્ટરે 1930 હેલ્પલાઇન પરથી સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.