Dakshin Gujarat

પાણી માટે ઉદ્યોગો પાસેથી નિયમ વિરૂદ્ધ નાણાં વસુલવા બદલ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસો. કસૂરવાર

ભરૂચ: (Bharuch) દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને જીઆઈડીસી (GIDC) પાસેથી વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન ૨૫ એમજીડી વોટર સપ્લાયની સ્કિમનો કોન્ટ્રાક્ટ લઈ નિયમ વિરૂદ્ધ જઈ કંપનીઓ પાસેથી કઠિતપણે નાણા વસુલી કરોડો રૂપિયાનું પાણી કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ બહાર આવતા દહેજ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં (Dahej Industries Area) હડકંપ મચી ગયો છે. આ મામલે વાગરા કોમર્સિયલ કોર્ટેમાં કેસ ચાલતાં કોર્ટે ડીઆઈએને રૂપિયા ૧.૦૫ કરોડની રકમ ૮ ટકાના વ્યાજ સાથે ટોરેન્ટ કંપનીને પરત ચૂકવવા હુકમ કર્યો છે.

દહેજને ઔદ્યોગિક વસાહત વિકસતા ત્યાં નેશનલ અને મલ્ટિનેશનલ કંપનીઓ સ્થાપિત થઈ છે. ઉદ્યોગોને પાણીની જરૂરિયાત સંતોષવા જીઆઈડીસીએ ૨૫ એમજીડી વોટર સપ્લાય સ્કિમ અમલમાં મૂકી હતી. ઓગસ્ટ ૨૦૧૧થી જુલાઈ ૨૦૧૩ દરમિયાન દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને કોન્ટ્રાક્ટ લઈ વોટર સપ્લાયની કામગીરી કરી હતી. જીઆઈડીસી અને ડીઆઈએ વચ્ચે થયેલા કરારમાં જીઆઈડીસીના પાણી સપ્લાયના નિયમો નેવે મુકીને ડીઆઈએના પ્રમુખ એમ.એ. હનિયા અને તેમની ટીમે કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા વસુલી મસમોટું કૌભાંડ આચર્યું હતું. ઉદ્યોગો પાસેથી ખરેખર પાણીના વપરાશ મુજબના નાણા વસુલવાના સ્થાને આપખૂદશાહી ચલાવી નિયમો વિરૂદ્ધ કંપનીઓ પાસેથી અંદાજિત જરૂરિયાતના ૭૫ ટકા લેખે કરોડો રૂપિયાના બિલોની વસુલાત કરી હતી.

દહેજ એસઈઝેડ-૧માં આવેલી ટોરેન્ટ પાવર કંપનીએ ડીઆઈએની આપખુદશાહી સામે અવાજ ઉઠાવી વર્ષ ૨૦૧૪માં ભરૂચની સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. જે દાવો વાગરા કોમર્સિયલ કોર્ટમાં ટ્રાન્સફર થતા કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં કોર્ટે ડીઆઈએને કસુરવાર ઠેરવી ટોરેન્ટ પાવરને રૂપિયા ૧.૦૫ કરોડ ૮ ટકાના વ્યાજ સાથે પરત કરવા હુકમ કર્યો છે. હુકમના પગલે ડીઆઈએના પ્રમુખ સહીત પદાધિકારીઓમાં દોડધામ કરી રહ્યા છે.

વોટર સપ્લાયનો નિર્ણય વ્યક્તિગત નથી, સંસ્થાનો છે. સંસ્થાની મિટિંગમાં ચર્ચા કરીને નિર્ણય લઈશું
દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં વોટર સપ્લાય અંગેનો નિર્ણય એ કોઈ વ્યક્તિગત નિર્ણય નથી. સંસ્થાએ નિર્ણય કર્યો હતો. એસો.એ નક્કિ કરેલા નિયમો પ્રમાણે જ વહિવટ કરાયો હતો, છતાં કોર્ટનો અમે અનાદર કરતા નથી. સંસ્થાના હોદ્દેદારોની મિટિંગ બોલાવી નિર્ણય લઈશું.: એમ ડીઆઈએના પ્રમુખ એમ.એ.હનિયાએ જણાવ્યું હતું.

કોર્ટનો હુકમ ડીઆઈએ માટે કલંક સમાન, પ્રમુખે રાજીનામું આપવું જોઈએ
કોર્ટનો હૂકમ દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે કલંક સમાન છે. પ્રમુખે એસોસિએશનને ગેરમાર્ગે દોર્યું હતું. કોર્ટના હૂકમ મિજબની નાણાકીય ભરપાઈ પ્રમુખના વ્યક્તિગત ખાતામાંથી થવી જોઈએ અને સમગ્ર ઘટના સપાટી પર આવ્યા પછી પ્રમુખે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, એમ પૂર્વ સેક્રેટરી દિનેશ પટેલએ જણાવ્યું હતું.

Most Popular

To Top