ભરૂચના (Bharuch) સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) મંગળવારે ફરી પોતાનાં નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. તેઓ મામલતદારને જાહેરમાં ખનીજચોરી મામલે બેફામ ગાળો બોલતા વિવાદમાં (Controversy) આવ્યા છે. કરજણ તાલુકામાં રેતીના ડમ્પર અડફેટે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ આજે આ ઘટના સ્થળે ભરૂચના સાંસદ અને કરજણના પૂર્વ ધારાસભ્ય મુલાકાતે પહોંચ્યા હતા. આ વિસ્તારમાં રેતી માફિયાઓની વધેલી દાદાગીરીને લઈ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતા અને અધિકારીઓને ખખડાવ્યા હતા. જોકે આ દરમિયાન તેઓએ વાણીવિલાસ કરતા વિવાદમાં આવી ગયા છે.
- રેતી માફિયાઓની વધેલી દાદાગીરીને લઈ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા
- કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં વેધક સવાલ
- બહુ હોશિયારી નહીં મારવાની, તમારા બધા ધંધાની મને ખબર છે
કરજણના માલોદ ગામ નજીક બે દિવસ પહેલા ડમ્પરની ટક્કરે ભરૂચના ઝનોરમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને સ્થાનિક આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મનસુખ વસાવાએ આ વિસ્તારમાં રેતી માફિયાઓની વધેલી દાદાગીરીને લઈ સવાલો ઉઠાવ્યા હતા અને ત્યાંના અધિકારીઓને ખખડાવ્યા હતા. જાહેરમાં મનસુખ વસાવાએ મામલતદાર સહિતના અધિકારીઓને ખનીજચોરી કરતાં ડમ્પરો બંધ કરાવવા કહ્યું હતું. તેઓએ અધિકારીઓને કહ્યું હતું કે બહુ હોશિયારી નહીં મારવાની, તમારા બધા ધંધાની મને ખબર છે.. કેટલા હપ્તા મળે છે તમને.. અને પછી તેઓએ બેફામ ગાળો બોલી હતી જેથી માહોલ ગરમાયો હતો. જોકે એવું કહેવાય છે કે રેતીના ડમ્પરના અડફેટે 3 લોકોનાં મોતનો મામલો હોવાથી સાંસદ ગુસ્સે ભરાયા હતા. પણ ગુસ્સો કરતી વખતે તેઓ મર્યાદાઓ ભૂલ્યા હતા.