ભરૂચ: અત્યંત સંવેદનશીલ જિલ્લો ગણાતા ભરૂચમાં કોમી વૈમનસ્ય ફેલાવવાના અને શાંતિ ડહોળવાના બે કાવતરાં સામે આવતાં ભરૂચ પોલીસે બે ગુના દાખલ કરી કુલ ૪ જણાની ધરપકડ કરી હતી. ભરૂચ તાલુકા અને સાયબર ક્રાઈમ પોલીસમથકે દાખલ થયેલા બંને ગુના અંગે DYSP સી.કે.પટેલે પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપી હતી.
ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મહમદ વાહીદ, મહમદ હસન અને મિર્ઝા મહમદ સાનીએ ધાર્મિક ટિપ્પણીઓ કરતી વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. ઇન્ટાગ્રામ પર ગ્રુપ બનાવી હિંદુ દેવી-દેવતા ઉપર ટિપ્પણી કરતી પોસ્ટ વાયરલ થતાં પોલીસના ધ્યાને આવી હતી. વધુમાં આરોપીનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
શહેરની શાંતિ ડહોળવાના અન્ય એક કિસ્સામાં કંથારિયાનો અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ ઉર્ફે મુફ્તી એક પત્રિકા બનાવી તેની કોપી કઢાવી વહેંચવા નીકળ્યો હતો. આ પત્રિકા એક જાગૃત નાગરિકના હાથમાં આવી જતાં તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પત્રિકામાં ભડકાવનારું લખાણ લખાયું હતું, જેમાં ગૌમાંસ અને હિંદુઓના ગ્રંથો વિશે આપત્તિજનક શબ્દોનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ પત્રિકા કોમી રમખાણોનું કારણ બને એ પૂર્વે અબ્દુલ અઝીઝ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વિવાદાસ્પદ પત્રિકા કબજે લીધી છે. અબ્દુલ અઝીઝનાં રિમાન્ડ મેળવી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસ અને તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે ધાર્મિક ટિપ્પણીઓ કરતી સોશિયલ મીડિયાની પોસ્ટ અને પત્રિકા રમખાણો જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી કરે એ પહેલા પોલીસે બંને ગુનામાં ૪ ઈસમને પોલીસે દબોચી લીધા હતા.