ભરૂચ: (Bharuch) ગઠબંધનની જાહેરાતથી કોંગ્રેસમાં (Congress) બળવાની સ્થિતિનું નિર્માણ થઇ ચુક્યું છે. ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસમાં ઘમસાણ મચ્યું છે. આ અંગે મર્હૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તેમજ પાર્ટીના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, પટેલના પુત્ર ફૈઝલ પટેલમાં નારાજગી હોવાના કારણે તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ફૈઝલ પટેલ ‘હું લડીશ’ના બેનર સાથે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી શકે તેવી વકી દેખાઈ રહી છે.
- ‘હું લડીશ’ના બેનર સાથે ફૈઝલ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના!
- રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધી ભરૂચમાં મોટા થયા હતા અને ભરૂચ બેઠક સાથે ગાંધી પરિવારનો લગાવ હોવાથી હજુ ફૈઝલ પટેલને કોંગ્રેસના ઉમેદવાર બનવાની આશા
ફૈઝલ પટેલ દ્વારા આજે INDIA ગઠબંધનની જાહેરાતને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ દિલ્હી જઈને હાઈકમાન્ડને સમજાવવાના પ્રયત્નો કરશે. હજી પણ ઉમેદવારી નોંધાવવા માટે ઘણો સમય બાકી છે. જેથી તેઓ દિલ્હી જઈને હાઇકમાન્ડને માનવવાનો પ્રયત્નો કરી શકે છે.
વધુમાં ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધી પણ ભરૂચમાં જ મોટા થયા હતા. જેથી ભરૂચ બેઠક સાથે ગાંધી પરિવારનો લગાવ જોડાયેલો છે. જેને કારણે હજુ આશા છે કે ગાંધી પરિવાર તેમની ભાવનાને સમજશે. જો કે આ નિર્ણયથી તેઓ ખૂબ જ નાખુશ છે અને કોંગ્રેસ પાસે તેમણે આવી આશા રાખી ન હતી. હજી પણ મર્હૂમ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ઉમેદવારીની આશાઓ રહેલી છે.