ભરૂચ: (Bharuch) જંબુસર એસ.ટી. ડેપોની કારેલીથી જંબુસર આવતી સવારની બસના ડ્રાઈવરે (Bus Driver) કાબૂ ગુમાવતાં ગજેરા વિસ્તાર નજીક વરસાદી કાંસમાં ઊતરી ગઈ હતી. આ ઘટનામાં એક વૃદ્ધનું મોત, જ્યારે વિદ્યાર્થીઓ સહિત ૨૦ જેટલા મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા. જંબુસર ડેપોની કારેલી-જંબુસર બસ મંગળવારે સવારે ૭ વાગે ૪૦થી વધુ મુસાફરોને લઈ નીકળી હતી. બસમાં સ્કૂલ અને આઈટીઆઈ સાથે કોલેજના (College) વિદ્યાર્થીઓ પણ હતા.
- જંબુસર નજીક બસ કાંસમાં ઊતરી જતાં એકનું મોત, વિદ્યાર્થીઓ સહિત ૨૦ ઘાયલ
- ગજેરાથી આગળ જતાં દરવાજે ઊભેલા વૃદ્ધને ડ્રાઇવરે અંદર જવા કહેતાં રકઝક બાદ અકસ્માત સર્જાયો
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસર, વડુ અને વડોદરા ખસેડાયા
ગજેરા વિસ્તારથી એક વૃદ્ધ બસમાં ચઢ્યા હતા. જેઓ દરવાજા પાસે જ ઊભા રહેતાં ડ્રાઈવર અને મુસાફરની આ અંગે અંદર જતા રહેવા રકઝક પણ થઈ હતી. દરમિયાન થોડે જ દૂર રસ્તાની બીજી બાજુ આવેલી વરસાદી કાંસમાં બસ ઊતરી પડી હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ ઝાડ સાથે ભટકાઈ અટકી ગઈ હતી. આ બનાવમાં બસમાં સવાર મુસાફરોને ઇજા પહોંચતાં તેમણે બૂમરાણ મચાવી દીધી હતી.
અકસ્માતમાં ગજેરાના નગીનભાઈ નામના મુસાફરનું મૃત્યુ થયું હતું. જ્યારે ૭થી વધુ છાત્ર સહિત ૨૦ જેટલા મુસાફરોને ઇજા પહોંચતા દોડધામ મચી ગઇ હતી. સ્થાનિકો, વાહનચાલકોનાં ટોળાં વચ્ચે પોલીસ અને ૧૦૮ના ટીમે દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસર રેફરલ, વડુ અને વડોદરા સારવાર અર્થે ખસેડ્યા હતા. મુસાફરો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, ૩ મહિનામાં જંબુસરની ડેપોની બસને આ ૮મો અકસ્માત નડ્યો છે, જેમાં ૩ લોકોનાં મોત થયાં છે. જંબુસર ડેપોના ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવાની અને એસ.ટી. નિગમ આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે.
કપલસાડી પાસે ટ્રક સાથે કારચાલકને અકસ્માત
ઝઘડિયા: ઝઘડિયાના કપલસાડી ગામ જવાના રસ્તે એક ટ્રક અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઇકો ગાડીનો ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. અંકલેશ્વર ખાતે રહેતા આ યુવક ભૂપત જેઠા બોળિયાનો પરિવાર દૂધનો ધંધો કરે છે. દરમિયાન ગત તા.૮મીના રોજ ભૂપત સવારે છ વાગ્યાના સમયે ઝઘડિયાના કપલસાડી અને ફૂલવાડી ગામે દૂધ લેવા ઇકો ગાડી લઇને ગયો હતો. ત્યારબાદ લગભગ પોણા સાતેક વાગ્યાના અરસામાં બોરોસીલ કંપનીથી કપલસાડી જવાના રોડ પર સામેથી આવતી એક ટ્રક નં.(GJ-૦૩ BW-૪૨૬૫) સાથે ઇકો ગાડી અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભૂપતભાઇને પગ તેમજ હાથ પર ફેક્ચર થયું હતું. તેમજ આંખ અને છાતીના ભાગે ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત યુવક ભૂપતને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. ત્યારબાદ ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ બાબતે ઈજાગ્રસ્ત યુવક ભૂપતભાઈએ ઝઘડિયા પોલીસમાં ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.