ભરૂચ: (Bharuch) ઔદ્યોગિક નગરી દહેજના જોલવા ગામ પાસે ગોકુલધામ સોસાયટીમાં પાર્ક ઇકો કાર (Car) અને બાઈકમાં (Bike) આગ લગતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગમાં બંને વાહનો સળગી ગયા હતા. અચાનક વાહનોમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
વાહનોમાં લાગેલી આગ બુઝાવવા સ્થાનિકોએ કરેલા પ્રયાસ સફળ ન રહેતા ફાયર બ્રિગેડને મદદે બોલાવાયું હતું. અગ્નિશામક દળ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો જોકે આ દરમિયાન બંને વાહનો સળગીને ખાખ થઈ ગયા હતા. બનાવ સંદર્ભે દહેજ પોલીસે તપાસ શરૂ કરી આગ લાગવાનું કારણ બહાર લાવવા પ્રયાસ શરૂ કર્યા છે.
જંબુસરના નહાર ગામે યુવકે કર્યા ઝેરના પારખાં, આવતે મહિને હતા લગ્ન
ભરૂચ: નહાર ગામનો યુવક બે દિવસથી ગુમ હતો. જેનો ઝેરી દવા પીધેલ હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી. હાલના સમયમાં કોઈના કોઈ કારણો સર લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા હોય છે ત્યારે વધુ એક ઘટના ભરૂચ જિલ્લાના જંબુસરમાં બની છે. જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામના પ્રવીણ પરમાર નામના યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હોવાની વિગત મળી છે.
નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો. જેનો ખેતરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક પ્રવીણ પરમારના આગામી તારીખ 19/02/2024 ના રોજ લગ્ન થવાના હતા. જેની પરિવારમાં જોર-શોરથી તૈયારીઓ ચાલતી હતી. પરંતુ તેની લાશ મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે. કાવી પોલીસે મૃતદેહનો કબજો લઈ લાશને જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.