ભરૂચ: (Bharuch) અંકલેશ્વરના હસ્તી તળાવ મુખ્ય માર્ગ ઉપર મંગળવારે સવારના સમયે ફોર વ્હીલ ગાડી, થ્રિ વ્હીલ ટેમ્પો અને એક બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત (Accident) સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ફોર વ્હીલ કારનો ચાલક પોતાની કારને (Car) સ્થળ પરજ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગેની જાણ ઉપસ્થિત લોકોને થતા તમામ ઇજાગ્રસ્ત લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના હસ્તી તળાવ મુખ્ય માર્ગ પર સર્જાયેલ ટ્રિપલ અકસ્માતની આ ઘટના બાદ સ્થળ ઉપર લોક ટોળા જામતા એક સમયે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટના અંગેની જાણ પોલીસ મથકે થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલા અંગેની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
સાગબારા પાસે બાઈક ઝાડ સાથે ભટકાતાં 3નાં મોત
રાજપીપળા: નર્મદા જિલ્લાના (Narmada District) ડેડિયાપાડા-સાગબારાને જોડતા હાઇવે (High Way) પર સામેથી આવતા વાહનની હેડલાઇટથી આંખ અંજાઈ જવાથી બાઇક રોડની સાઇડ પર ઊતરી ગયા બાદ વૃક્ષ સાથે અથડાતાં ત્રણ મિત્રનાં મોત થયાં હતાં. સાગબારાથી માત્ર એક કિ.મી. દૂર આવેલા કુંબીકોતર પાસે અકસ્માતનો આ બનાવ બન્યો હતો.
સાગબારાના પાનખલા ગામના ત્રણ યુવાન નામે હિતેશ જીતુ પાડવી, કુશો પાડવી અને આનંદ પાડવી બાઇક લઇને ડેડિયાપાડા લગ્ન પ્રસંગમાં ગયા હતા. ડેડિયાપાડાથી લગ્નપ્રસંગ પતાવી સાગબારા પરત આવી રહ્યા હતા. એ સમયે તેમની બાઇકને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બાઇક ચલાવી રહેલા યુવાને સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બાઇક રોડની સાઇડમાં ખાડીમાં પડીને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. વેરાન જગ્યા હોવાથી ઇજાગ્રસ્ત યુવાનો આખી રાત તડપતા રહ્યા હતા. બીજી તરફ રાત વીતી જવા છતાં ત્રણેય યુવાન પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરવા માટે નીકળ્યા હતા. પણ યુવાનોનો કોઇ પત્તો લાગ્યો ન હતો. અકસ્માતના કલાકો બાદ કોઇ રાહદારીએ ત્રણેય યુવાનને જોતાં પોલીસને જાણ કરી સાગબારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં ત્રણેય યુવાનનાં મોત નીપજ્યા હોવાની અને પાનખલા ગામના હોવાનું જણાતાં તેમના વાલીઓને જાણ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આ ત્રણેય યુવાન ડેડિયાપાડાથી લગ્નમાંથી ઘરે સાગબારા આવતા હતા. લાઈટથી અંજાઈને 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા હતા. જ્યાં ઝાડ સાથે અથડાઇ જતાં આખી રાત ત્યાંને ત્યાં રહ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી તેમને હોશ જ ના આવ્યો અને તેમનાં કરુણ મોત નીપજ્યાં હતાં. આ બનાવના પગલે પાનખલા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.