ભરૂચ: )Bharuch) જંબુસર માઈનોર-૧ અને ૨ જે વેડચથી નીકળે છે જેનો લાભ ડાભા ભાણખેતર જંબુસરના ધરતીપુત્રોને (Farmers) મળવો જોઈએ પરંતુ સ્થિતિ તેનાથી તદ્ન વિપરીત છે, ઉપરથી જ્યારથી આ નહેરો આવી છે. ત્યારથી આ વિસ્તારના ધરતીપુત્રોને સમખાવા પૂરતું પણ સિંચાઈનું પાણી મળ્યું નથી. જેથી આ વિસ્તારના ખેડૂતોમાં ચિંતાની સાથે રોષ ફેલાયેલો છે. તેના માટે નહેરના પાણીની સમસ્યા હાલ પ્રાણપ્રશ્ન બની ગયો છે, જે મુદ્દાને લઈને આ વિસ્તારના ધરતીપુત્રોએ માજી ધારાસભ્ય કિરણ મકવાણાની આગેવાનીમાં નાયબ કાર્યપાલક ઈજનેર નર્મદા યોજના પેટા વિભાગ ૧૫/૪ જંબુસરના ઈશ્વરભાઈ રાઠોડને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆતો કરી હતી. અને તત્કાળ પાણી આપવા માંગ કરી હતી.
નર્મદા યોજના નહેર વિભાગ જે વખતોવખત કાયમ વિવાદોમાં સપડાયેલો જોવા મળે છે. મૂળ વાત કે જંબુસર પંથકમાં બનાવવામાં આવેલ નહેરો લેવલ વગર અને તેનું બાંધકામ સાવ તકલાદી હોવાના કારણે ક્યાંક પાણી મળતું નથી. તો ક્યાંક લીકેજને કારણે ધરતીપુત્રોની મહામૂલી ખેતીને નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં અધિકારીઓ અને એન્જિનિયર્સની અણઆવડતને લઈને પણ ધરતીપુત્રોને વેઠવાનો વારો આવે છે. આ સહિત નહેરોની સાફસફાઈ કરવામાં આવતી નથી અને ખોટાં બિલો ઉધારવામાં આવે છે. પાણી પહોંચતું ન હોવા છતાંય અધિકારીઓ દ્વારા ખોટા લોલીપોપ આપવામાં આવે છે તેવા આક્ષેપો પણ કર્યા હતા. આવેદનપત્ર આપવા સરપંચ જગદીશભાઈ પટેલ જંબુસર,ભાણખેતર ધરતીપુત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પાણી દરિયામાં વહી જાય છે અને ખેડૂતો પાણી માટે વલખા મારે છે
જંબુસર માઈનોર એક અને બે જે વેડચથી નીકળે છે. જેનો લાભ ભાણખેતર, ડાભા અને જંબુસરના ધરતીપુત્રોને મળતો હોવાનું કહેવાય છે. પરંતુ ભાણખેતર ગામે નર્મદા નહેર બની ત્યારથી આજદીન સુધી તેનો લાભ ધરતીપુત્રોને મળેલ નથી અને આ નર્મદા નહેરનું પાણી દરિયામાં ખોટું વહી જાય છે. આ બાબતે પણ ભાણખેતર સરપંચ જગદીશ ડાહ્યાભાઈ પટેલે વારંવાર રજૂઆતો કરેલ છે. લોક દરબારમાં તથા ગ્રામસભામાં આ પ્રશ્ન મૂકવામાં આવે છે. છતાંય તેનો કોઈ ઉકેલ આવતો નથી. જેથી ગુરૂવારના રોજ માજી ધારાસભ્ય કિરણ મકવાણાની આગેવાનીમાં નર્મદા કચેરી ખાતે જંબુસર, ભાણખેતર વિસ્તારના ખેડૂતો એકત્ર થઈ નાયબ કાર્યચાલક ઈજનેર ઈશ્વરભાઈ રાઠોડને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી, અને વહેલી તકે નર્મદા નહેરના પાણી આ વિસ્તારમાં આ વિસ્તારના ખેડૂતોને મળે તે માટે ઘટતું કરવા જણાવ્યું હતું.