ભરૂચ: (Bharuch) ભરૂચ તાલુકાનાં સામલોદ, બબુંસર, ડભાલી અને કવિઠા ગામના ખેડૂતો નહેરમાં (Canal) સર્જાયેલા ભંગાણથી ખેતરો પાણીમાં ગરકાવ થતાં પાયમાલ બન્યા છે. ભરૂચ તાલુકાના ઉત્તર પટ્ટી ઉપર આવેલાં ગામોમાંથી (Village) નર્મદા નિગમની માઇનોર નહેર પસાર થાય છે. જો કે નહેર વિભાગ દ્વારા વર્ષોથી નહેરનું સમારકામ કરવામાં નહીં આવતાં દર વર્ષે ભંગાણની સમસ્યા સર્જાય છે.
- ભરૂચની નહેરમાં ગાબડું: સામલોદ, બંબુસર, ડભાલી અને કવિઠાના ખેડૂતો બેહાલ
- ડભાલી-કવિઠા વચ્ચે નહેરમાં ભંગાણથી 300થી વધુ એકરમાં પાણી ફરી વળતાં તૈયાર પાક બરબાદ
- પાક નુકસાનીનો સરવે કરી બજાર ભાવ મુજબ વળતર આપવા માંગ
નવા વર્ષના પહેલા દિવસે જ નર્મદાની માઇનોર કેનાલમાં ડભાલી અને કવિઠા વચ્ચે ગાબડું પડતાં ચાર ગામના ખેડૂતોનાં ખેતરોમાં રહેલા તૈયાર પાક ઉપર પાણી ફરી વળ્યા છે. તાજેતરમાં જ નહેર ખાતા દ્વારા કેનાલની સાફસફાઈ કરવામાં આવી હતી. જો કે, નહેર વિભાગ સમારકામ હાથ નહીં ધરતું હોવાથી દર વર્ષે ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. પહેલી જાન્યુઆરીએ જ નહેરમાં ગાબડાને લઈ પાણી કવિઠા, સામલોદ, ડભાલી અને બબુંસર ગામના નહેરની આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યાં હતાં. ખેતરો પાણીમાં ગરકાવ થતાં તૈયાર પાક મઠિયા, તુવેર, કપાસ, શેરડી સહિત બરબાદ થઈ ગયા હોવાનો રોષ ખેડૂતોએ ઠાલવ્યો છે. અંદાજે 4 ગામના 300 એકરથી વધુમાં નહેરનાં પાણી ખેતરોને ડુબાડી દેતાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની ગયા છે.
નહેર નિગમ કેનાલ કામનું સમારકામ કરે અને તંત્ર સરવે કરાવી ખેડૂતોને પાકનું બજાર ભાવ મુજબ વળતર ચૂકવે તેવી માંગણી કરવામાં આવી છે. સાથે જ ચાર ગામના ખેડૂતોએ કલેક્ટરમાં નુકસાની અંગે રજૂઆત કરવા તૈયારીઓ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, નહેરમાં ગાબડું પડતાં ભરૂચવાસીઓને અને દહેજ ઔદ્યોગિક વસાહતને પીવાના પાણીની અસર પણ થઈ શકે છે. કારણ કે, આ કેનાલમાંથી જ નગરપાલિકા દ્વારા ભરૂચવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જો કે, હાલ તો હાલત કફોડી બની જતાં ખેડૂતો નોધારા બની ગયા છે.