ભરૂચ: (Bharuch) આમોદ તાલુકાના નવા દાદાપોર ગામમાંથી પસાર થતી કેનાલમાં (Canal) ઘણી વખત ગાબડું પડવાના કારણે પાણી લોકોનાં ઘરો, વાડામાં અને ખેતરોમાં (Farm) ભરાઈ જતાં ભારે તારાજી સર્જાઈ છે. આ મામલે અનેક વખત અધિકારીને જાણ કરવા છતાં યોગ્ય કામગીરી નહીં થતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.
- નવા દાદાપોરમાં કેનાલમાં ગાબડું પડતાં ખેતરો સહિત લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયું
- અનેક વખત અધિકારીને જાણ કરવા છતાં યોગ્ય કામગીરી નહીં થતાં લોકોમાં આક્રોશ
આમોદ તાલુકાના દાદાપોર ગામનાં ખેતરો સહિત રહેણાક વિસ્તારમાં નહેરમાં ગાબડું પડતાં તેના પાણી ફરી વળતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આમોદ નહેર નિગમના અધિકારીને વારંવાર મૌખિક અને ટેલીફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો તાગ મેળવવા કે નિરાકરણ લાવવા આજદિન સુધી કોઈ જ અધિકારી ઘટના સ્થળ ઉપર નહીં આવતાં અસરગ્રસ્ત લોકોમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જો કે, અગાઉ પણ ગામમાં આવી જ સમસ્યાથી લોકોનાં ઘર અને ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેતીમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. તેમ છતાં હજુ સમસ્યાનું કાયમી ઉકેલ આવ્યો નથી. પાણીના આવા વેડફાટથી ભવિષ્યમાં રોગચાળો ફેલાય એવી દહેશત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ તાલુકામાંથી પસાર થતી નહેરોમાં અનેક વખત મોટાં-મોટાં ગાબડાં પડી ગયાં છે. અને તેમાં પણ જંગલી બાવળ પણ ઊગી નીકળ્યા છે. આ કેનાલ જાણે બાવળ ઉગાડવા નીકળી હોય એમ સાફસફાઈ કરવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડતાં સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરવો પડે એવા સંજોગો છે.