ભરૂચ: ભરૂચ (Bharuch) પોલીસ (Police) દ્વારા શહેરમાં સવારે 9થી રાતે 9 ખાનગી લક્ઝરી બસોને (Private luxuri Bus) શહેરમાં પ્રવેશવા (Entry) ઉપર પાબંદી ફરમાવી દીધી છે. ભરૂચ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક (Traffic) સમસ્યા વિકટ બનવા સાથે અકસ્માતોનું (Accident) પ્રમાણ પણ વધી રહ્યું છે. ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં કંપનીઓની શિફ્ટ બસોને લઈ ટ્રાફિકજામ અને અકસ્માતોની સમસ્યા જટિલ બની રહી છે. શહેરમાં ઝાડેશ્વર, એબીસી, શીતલ, કસક, શ્રવણ ચોકડી, શક્તિનાથ, તુલસીધામ, જ્યોતિનગર, કોલેજ રોડ ઉપર ખાનગી લક્ઝરી બસના કારણે ટ્રાફિક અવરોધાય રહ્યો છે. અને શાળા, કોલેજોના વિધાર્થીઓ, અન્ય વાહનચાલકો અને લોકો અટવાય છે.
- રસ્તા ઉપર આડેધડ પાર્ક કરેલી લક્ઝરી બસને ડિટેઈન થવા સાથે દંડનીય કાર્યવાહી કરાશે
- ઝાડેશ્વર, ABC, કસક, જ્યોતિનગર, શીતલ સર્કલ સહિતની ચોકડીઓ ઉપર ટ્રાફિકને લઈ પોલીસનો નિર્ણય
કંપનીની શિફ્ટ બસો વિવિધ પોઇન્ટ, સ્થળ, ચોકડી ઉપર કર્મચારીઓને લેવા મૂકવા ઊભી રહેતી હોવાથી જોતજોતામાં ટ્રાફિકજામ વિકરાળ બની જાય છે. વળી, આ લક્ઝરી બસો પેટ્રોપ પંપ ઉપર પણ ઇંધણ ભરાવવા ઊભી રહેતી હોય ટ્રાફિકજામ માટે નિમિત્ત બને છે. જ્યારે મુખ્ય માર્ગો ઉપર અને ચોકડીઓ સહિતના સ્થળે લક્ઝરી બસો ઊભી રાખતાં કે પાર્ક કરાતાં ટ્રાફિકને નડતર ઊભું થાય છે. આ તમામ સ્થિતિને ધ્યાને લઈ ભરૂચ શહેરના સી-ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં સવારે 9થી રાત્રિના 9 વાગ્યા સુધી ખાનગી બસોને શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જો કોઈ લક્ઝરી આ પ્રતિબંધનો ભંગ કરતા પકડાશે કે વાહન જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલી હાલતમાં ઝડપાયો તો તે લક્ઝરી બસ ડિટેઇન કરવામાં આવશે. સાથે આઈ.પી.સી. 283 મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચમાં શુક્રવારે સવારે જ મોપેડચાલક મહિલાને શક્તિનાથ સર્કલ ઉપર એક લક્ઝરી બસના ચાલકે અડફેટે લીધી હતી. જો કે, આ બનાવમાં કોઈ ઇજા કે જાનહાનિ થઈ ન હતી.
પારડીના વેલપરવા ખાડીનો પુલનો માર્ગ ખખડધજ
પારડી : પારડીના વેલપરવા બ્રિજ પાસે માર્ગ ખખડધજ બનતા અવર-જ્વર પર રોક લગાવવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા જાહેર ચેતવણી આપવામાં આવી હતી કે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પારડીમાં મુશળધાર વરસાદને લઈ વેલપરવા ગામે જતા માર્ગ પર આવેલો ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં ગામનો સંપર્ક તૂટી ગયો હતો. જો કે પાણી ઓસરી ગયા બાદ પણ લોકો અવરજવર કરી શક્યા ન હતા. બ્રિજ નજીક આવેલો માર્ગ ઊખડી જતા તંત્ર દોડતું થયું હતું અને બ્રિજ પર કપચી પાથરી સમારકામ હાથ ધરી બીજા દિવસે માર્ગ શરૂ કરાયો હતો.