ભરૂચ: ભરૂચ (Bharuch) શહેર અને જિલ્લામાં ગુરૂવાર રાતથી મેઘરાજાએ મુકામ બનાવી સવાર સુધી ઝરમર વરસતાં તમામ 9 તાલુકામાં સાર્વત્રિક મેઘમલ્હાર નોંધાયો હતો. તેવી સ્થિતિમાં વહેલી સવારે ભરૂચના મકેરી ફળિયામાં (Makeri Faliya) એક જર્જરીત મકાન (Building Collapsed) તૂટી પડ્યું હતું. જેના CCTV ફૂટેજ સામે આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુના ભરૂચના મકેરી ફળિયામાં એક જર્જરીત મકાનનો અડધો ભાગ ધરાશાઈ થતાં નીચે પાર્ક કરેલા વાહનો પર કાટમાળ પડ્યો હતો. જેને લઈ બાઇકને નુકસાન થયું હતું. જો કે, વહેલી સવારનો સમય હોવાથી કોઈ અવરજવર નહીં હોવાથી જાનહાની ટળી હતી. મકાનનો કાટમાળ માર્ગ પર પડતાં આવવા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જર્જરિત મકાનનો પાછળનો ભાગ પહેલા જ ઉતારી લેવામાં આવ્યો હતો. હજી પણ અડધો ભાગ બાકી હોવાથી સ્થાનિકોએ ઉતારી લેવા રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લામાં મૌસમનો કુલ 60 ટકા વરસાદ
મોડીરાત્રે શરૂ થયેલા ઝરમર વરસાદ શુક્રવાર સવાર સુધી યથાવત રહેતા અંકલેશ્વર, નેત્રંગ અને ભરૂચ શહેરમાં કેટલાય સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. શુક્રવારે બપોરે ૨ વાગ્યા સુધીમાં નેત્રંગમાં 59 મિમી, અંકલેશ્વરમાં 56 મિમી જ્યારે વાલિયામાં 34 અને ભરૂચમાં 32 મિમી વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓમાં હાંસોટમાં 29 મિમી, આમોદમાં 22 મિમી, ઝઘડિયા 18 મિમી, વાગરા 14 અને જંબુસરમાં 10 મિમી વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં મૌસમનો કુલ વરસાદ 60 ટકા પડી ચુક્યો છે.
અગાઉ વલસાડની બિલ્ડીંગ ધરાશાયી થવાનો પણ વીડિયો સામે આવ્યો હતો
આ વર્ષે ચોમાસા દરમિયાન વલસાડમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડમાં એક પછી એક બિલ્ડીંગના સ્લેબો તૂટી પડવાની ઘટનાઓ બની હતી. બે દિવસ પહેલા જ વલસાડના તિથલ રોડ વૃંદાવન એપાર્ટમેન્ટની ગેલેરી તૂટી પડી હતી. ત્યાર બાદ અત્યંત જર્જરીત બનેલા એપાર્ટમેન્ટને વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. માત્ર 10 સેકન્ડની અંદર જ બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના ચર્ચાનો વિષય બની હતી.
વલસાડ નગરપાલિકાએ બિલ્ડીંગને તોડી પાડવાની કામગીરી શરૂ કરતાં પહેલા બિલ્ડીંગના રહેવાસી અને સ્થાનિકોની સાથે જ રાહદારીઓને બિલ્ડીંગથી દૂર રહેવા માટે સૂચના આપી હતી. રાહદારીઓ માટે રસ્તો બંધ ર્ક્યો અને બિલ્ડીંગનું વીજ કનેક્શન કટ ર્ક્યુ હતું અને મીટર કાઢ્યું હતું. ત્યાર બાદ બિલ્ડીંગના પીલર પર પ્રહાર ર્ક્યો હતો.