Dakshin Gujarat

ભરૂચમાં બે માજી ધારાસભ્યનું પત્તુ કપાયું

ભરૂચ (Bharuch): ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janta Party) દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માટે મુરતિયાઓની જાહેરાત કરવામાં આવતા ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસીના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લાની 5 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીમાં 2 સિનિયર નેતા અને માજી ધારાસભ્ય કપાયા છે તો બે ધારાસભ્ય (MLA) રિપીટ કરાયા છે. ઝઘડીયા બેઠક ઉપર 3 દાયકા સુધી સતત પરાજયનો સામનો કરનાર ભાજપ પક્ષે આ વખતે યુવાન રિતેશ વસાવાના નામ ઉપર મહોર મારી છે. રિતેશ વસાવા યુવા મતદારો ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે.

  • દુષ્યંત પટેલ અને છત્રસિંહ મોરીની ટિકીટ કપાઈ
  • સ્થાનિક મોવડી મંડળની નારાજગીના કારણે દુષ્યંત પટેલની ટિકિટ કપાઈ
  • મોરી સતત 6 ટર્મથી જંબુસર બેઠક ઉપર ચૂંટણી લડી 4 વખત ધારાસભ્ય બન્યા હતા
  • ઝઘડીયા બેઠક ઉપર 3 દાયકા સુધી સતત પરાજયનો સામનો કરનાર પક્ષે યુવાન નેતાના નામ ઉપર મહોર મારી છે
  • ઝઘડિયામાં યુવાન અને મજબુત નેતા રિતેશ વસાવાને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. રિતેશ યુવાન મતદારો ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની ટિકિટ કપાઈ છે. દુષ્યંત પટેલ સતત 3 ટર્મ સુધી ભરૂચના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્થાનિક મોવડી મંડળની નારાજગીના કારણે તેમની ટિકિટ કપાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બીજા સિનિયર નેતા એવા માજી ધારાસભ્ય છત્રસિંહ મોરીનું નામ કપાયું છે. મોરી સતત 6 ટર્મથી જંબુસર બેઠક ઉપર ચૂંટણી લડી 4 વખત ધારાસભ્ય બન્યા હતા. ગત ટર્મમાં ખુમાનસિંહ વાંસિયાના બળવાના કારણે વોટના વિભાજને મોરીને પરાજિત કર્યા હતા. છત્રસિંહ મોરી મજબૂત દાવેદારી કરી રહ્યા હતા જેમને પણ ટિકિટ (Ticket) આપવામાં આવી નથી. બન્ને સિનિયર નેતાઓના સમર્થકોમાં નિરાશા છવાઈ છે.

મુરતિયાઓની યાદી રાત્રે 1 વાગ્યા બાદ જાહેર કરવામાં આવતા તક મેળવનાર ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ખુશી ફેલાઈ હતી. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાના મુરતિયાની પસંદગી ભાજપ મોવડી મંડળ દ્વારા કરી લેવાઈ છે. ભરૂચમાં માજી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ત્રણ ટર્મ બાદ ફરી તક મળી છે. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ પાંચમી વખત તો અરૂણસિંહ ત્રીજી વખત ભાજપ તરફે ચૂંટણી લડશે. નામ જાહેર થતાં નેતાઓ અને તેમના સમર્થકોમાં ઉત્સાહ વ્યાપી ગયો હતો. ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ હતી.

Most Popular

To Top