Dakshin Gujarat

ભરૂચમાં 150 કાર્યકર્તાઓ કેસરિયો છોડી “આપ” માં જોડાયા

ભરૂચ: (Bharuch) બે દિવસ પહેલા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતાં. ત્યારે તેમણે વધુમાં વધુ લોકો આપમાં જોડાશે તેવી વાત કરી હતી. દરમ્યાન બુધવારે ગુજરાતના આપના પ્રભારી ઇસુદાન ગઢવી સુરતની મુલાકાતે આવ્યા હતા. આ બધા વચ્ચે ભરૂચમાં પણ આપ પાર્ટીમાં ભારે હલચલ જોવા મળી હતી. ભરૂચમાં ભાજપના 150 થી વધુ કાર્યકરો ભાજપ (BJP) છોડી આમ આદમી પાર્ટીમાં (Aam Admi Party) જોડાયા છે. ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર અને સેવાયજ્ઞ સમિતિના યુવા અગ્રણી અભિલેષ ગોહિલ સહિત 150 થી વધુ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મળતી માહિતિ મુજબ ભરૂચની એક હોટલમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી જેમાં 150 જેટલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી હતી.

ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર અને માનવ સેવાયજ્ઞ સંસ્થાના યુવા અગ્રણી અભિલેષ ગોહિલ પોતાના 150 સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ સહસંગઠન મંત્રી હરેશ જોગરાના, જિલ્લા પ્રભારી કે.પી.શર્મા, જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજ સહિત ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં અભિલેષ ગોહિલ આમ આદમી પાર્ટીમાં શામેલ થયા હતા. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજે આમ આદમી પાર્ટીમાં જોડાનાર તમામને આવકાર્યા હતા.

જણાવી દઈએ કે બે દિવસ પહેલાં જ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાનાર ઈસુદાન ગઢવી બુધવારે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે ભરૂચમાં ભાજપનાં 150થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા હોવાની વાત અહીં પણ વાયૂવેગે પ્રસરી ગઈ હતી. સુરતમાં “આપ” ના કાર્યકર્તાઓએ ઈસુદાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આમઆદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા તેમજ કોર્પોરેટરો (Corporators) અને કાર્યકર્તાઓએ ઇસુદાન ગઢવીને વધાવી લીધા હતા. સુરત આવતા જ તેમણે કહ્યું કે હું પહેલીવાર સુરત આવ્યો છું, સુરત આમ આદમી પાર્ટીનું ઉગતું સુરજ છે. સુરતે ઇતિહાસ બદલવાની શરૂઆત કરી છે. ઈશુદાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ‘આપ’નો પાયો સુરતમાં નખાયો, જે ગાંધીનગર (Gandhinagar) સુધી જશે.

સુરતમાં ગઢવીએ કહ્યું હતું કે આગામી 3 મહિનામાં આમ આદમી પાર્ટીમાં લાખો લોકો જોડાશે. હવે જુઠ્ઠા લોકોનો પર્દાફાશ કરવું જરૂરી છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે એક વ્યક્તિ 100 લોકોને પોતાની સાથે લઈ આવે. ઇમાનદારીથી રાજનીતિ કરવા અને સારા લોકોને પક્ષમાં જોડવા તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

Most Popular

To Top