ભરૂચ: (Bharuch) આમોદના સરભાણ માર્ગ પર હિટ એન્ડ રનની (Hit And Run) ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ પતાવી પુત્ર અને માતા ઘરે પરત ફરી રહ્યાં હતાં. એ વેળા સરભાણ ગામ નજીક ઝડપભેર જતા અજાણ્યો કારચાલક બાઇકસવાર માતા-પુત્રને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મહિલાનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું.
- આમોદના સરભાણમાં બાઈકસવાર માતા-પુત્રને અકસ્માત, માતાનું મોત
- પાલેજનાં માતા-પુત્ર લગ્નપ્રસંગ પતાવી પરત ફરતાં હતાં
- અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો
પાલેજ ખાતે રહેતા મોહમ્મદશહદ શોકત સયદુમિયા સૈયદ તા.૧૪મી ફેબ્રુઆરીએ માતા નસીમબેન શોકત સૈયદ સાથે મોટરસાઇકલ લઈ ડાભા તેમના મામાના ઘરે લગ્નપ્રસંગમાં ગયા હતા. તેઓ રાત્રિના ત્યાં જ રોકાઈ બીજા દિવસે બપોરના પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન આમોદ શમા ચોકડીથી સરભાણ ગામ તરફથી પાલેજ જવાના માર્ગ પર પહોંચતા જ પાછળથી એક કારનો ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી લાવી અકસ્માત સર્જી ગાડી લઈ ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર માતા અને પુત્ર માર્ગ પર પટકાયાં હતાં, જેમાં માતા નસીમબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં બેભાન થઈ ગયાં હતાં. જ્યારે પુત્ર મોહમ્મદશહદને શરીરે ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ એક રાહદારી બંનેને સારવાર હેઠળ આમોદની સરકારી દવાખાને લઈ ગયો હતો. જ્યાં હાજર તબીબે નસીમબેનને મૃત જાહેર કર્યાં હતાં. આ મામલે મોહમ્મદશહદે આમોદ પોલીસમથકમાં ફરાર કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.