ભરૂચ: ઓગસ્ટ મહિનો હવે પૂરો થવા આવ્યો છતાં હજુ ભરૂચ (Bharuch) જિલ્લાના પૂર્વભાગમાં ત્રણેય ડેમો (Dam) ભરાયા નથી. જો કે, ઓગસ્ટ મહિના (August Month) પહેલા જ અઠવાડિયામાં છેલ્લા ત્રણ વર્ષથી ત્રણેય ડેમો ભરાઈ જતા હતા. આ વખતે વાદળો ઘેરાયેલા હોવા છતાં પણ પાણીનો છાંટો (Rain) પડતો નથી. જેને લઈને ભરૂચ જિલ્લાના બલદેવા ડેમમાં 36 ટકા પાણી, પીંગોટમાં 41.09 ટકા પાણી અને ધોલી ડેમમાં 89.40 ટકા પાણીથી ભરાયેલો છે.
- સતત 3 વર્ષથી ઓગસ્ટ મહિના પહેલા અઠવાડિયામાં ત્રણેય ડેમો ઓવરફલો થઇ જતા હતા
- ભરૂચ જિલ્લામાં ગયા વર્ષ કરતા 40.14 ટકા વરસાદ ઓછો વરસ્યો
આ વખતે એક પણ ડેમ હજુ સુધી ઓવરફલો થયો નથી. ભરૂચ જિલ્લામાં આ વખતે ગયા વર્ષની સરખામણીમાં 40.14 ટકા ઓછો વરસાદ પડ્યો છે. જેને લઈને આવનારો ઉનાળો મહિનો જનજીવન માટે દુષ્કાળના ડાકલા વાગે એવા એંધાણો વર્તાઈ રહ્યા છે.
સાતપુડા તળેટીમાં આવેલા ત્રણ ડેમોમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓગસ્ટ મહિનામાં જ પાણી 100 ટકા ભરાઈને ઓવરફલો થઇ જતા હતાં. મૂળ તો કેચમેન્ટ વિસ્તારમાં સરેરાશ 800 થી 900 મીલીમીટર વરસાદ પડે એટલે ત્રણેય ડેમો ભરાઈ જાય. જો કે, આ વખતે ત્રણેય ડેમોમાં સરેરાશ માંડ 595 થી લઈને 675 મીમી વરસાદ કુલ પડતા ત્રણેય ડેમો હજુ પાણીથી ભરાયા નથી. બલદેવા ડેમમાં 137.45 મીટરની સપાટી હોવાથી ઓવરફલો 141.50 મીટરનો છે. હજુ 4.05 મીટર ભરાવાનો બાકી છે.
પીંગોટ ડેમમાં હાલમાં પાણીની સપાટી 136.10 મીટર હોવાથી ઓવરફલો 141.09 મીટરની છે. હજુ 3.60 મીટર ભરાવાનો બાકી છે. જ્યારે ધોલી ડેમમાં હાલમાં પાણીની સપાટી 135.10 મીટર હોવાથી ઓવરફલો 136 મીટર છે. હજુ માંડ 0.9 મીટર બાકી છે. જો કે, ચોમાસા પહેલા ધોલી ડેમ સરેરાશ 50 ટકા ભરેલો હતો. ડેમમાં ચોમાસાના અઢી માસમાં માંડ સરેરાશ 39 ટકા પાણી ભરાયું છે.
ભરૂચ જિલ્લામાં તા-25મી ઓગસ્ટ 2023માં સરેરાશ 485 મીમી, 65.32 ટકા વરસાદ પડ્યો હતો. જયારે 2022માં 784 મીમી, 104.46 ટકા વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લાના નેત્રંગ-ઝઘડિયા વાલિયા તાલુકામાં આવેલા આ 3 ડેમોનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે છે.
આ ડેમોના પાણીથી જ ખેડૂતો બારેમાસ ખેતી કરી પાક મેળવતાં હોવાથી આ વર્ષે તે ઓવરફલો નહીં થતાં ખેડુતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ 3 ડેમોમાંથી વાલિયા તાલુકાના ડહેલી, પીઠોર, દોલતપુર, દેસાડ, કંબોડિયા, પાંચમ, શિર સહિતના 20થી વધુ ગામના આદિવાસી ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી ઉનાળાની સિઝનમાં તેઓના અમૂલ્ય પાક માટે જીવનદાન સમાન છે.