ભરૂચ જિલ્લામાં સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં ઇકો પોઈન્ટ નેત્રંગ તાલુકામાં ૧૦ કલાકમાં આભ ફાટીને સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા તમામ નદીઓ બે કાંઠે વહેવા માંડી હતી. જેમાં કીમ નદી પર પહેલી વખત પુર આવતા ડહેલી પાસે ડાયવર્ઝન રોડના પોપડા ઉખડી ગયા હતા. મુશળધાર વરસાદના પગલે ત્રણ જગ્યાએ પુલ તૂટી પડતા પાણી ઉપરથી જતા બંધ કરવાની ફરજ પડી હતી. સાતપુડા પર્વતમાળામાં બેસુમાર વરસાદ પડતા લગભગ બે ડેમો જુલાઈ મહિનામાં ભરાઈ જાય એવું લાગે છે. માત્ર એક જ દિવસમાં વરસાદ થતા જ બલદેવા ડેમમાં ૭૬.૮૦ ટકા,ધોલી ડેમમાં ૮૦.૨૩ ટકા અને પીંગોટ ડેમમાં ૪૬.૫૪ ટકા પાણી ભરાઈ ગયા છે.
સોમવારે મેઘ મહેર થતા જ આખો ભરૂચ જિલ્લો પાણીદાર બની ગયો છે. સોમવારે સવારે ૬થી સાંજે ૪ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં જ જાણે આભ ફાટ્યું હોય એવો વરસાદ ખાબક્યો હતો. ખાલી દસ કલાકમાં નેત્રંગમાં ૧૮૮ મીમી વરસાદ ખાબક્યો હતો જેને લઈને આ વિસ્તારમાંથી આવતી કીમ, ટોકરી અને અમરાવતી નદીઓ બે કાંઠે વહેવા માંડી હતી. જેમાં કીમ નદીમાં પહેલી વખત પુર આવતા જ ડહેલી પાસે વાલિયા-વાડી રોડ પર આવેલા ડાયવર્ઝન રોડના ડામરના પોપડા ઉખડીને પાણીમાં વહી ગયા હતા. સાથે જ વાલિયાથી તુણા ગામે જવા માટે બનાવેલા કોઝવે પરથી પાણી ઉપરથી વહી રહ્યું હતું. વહીવટી તંત્રએ ત્રણ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં બ્લેક સ્ટોન માટે ઉપયોગી ગણાતો વાલિયા-વાડી રોડ પર ડહેલીમાં કીમ નદી કિનારે ડાયવર્ઝન પરથી પાણી જતા હાલમાં મોટા વાહનો માટે બંધ કરાયો છે. મોવીથી ડેડીયાપાડા સ્ટેટ હાઈવે નં-૧૬૦ રોડ પર યલ ગામે નદીમાં પુલો તૂટી પડતા બંધ કરવાની ફરજ પડી છે અને મોવીની આગળ બીતાડા બસ સ્ટેન્ડ પર જર્જરીત પુલ તૂટી પડતા રોડ બંધ કરાયો હતો.
નેત્રંગ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડતા એક જ દિવસમાં પાણીનો નોંધપાત્ર વધારો થયો હતો. પીંગોટ ડેમમાં પાણી વધીને ૧૩૬.૫૦ મીટર, બલદેવા ડેમમાં ૧૪૦.૩૦ મીટર, અને ધોલી ડેમમાં ૧૩૪.૪૦ મીટર પાણીની સપાટી થઇ હતી. પીન્ગોતમાં ૧૦૬ મીમી, બલદેવા ડેમમાં ૩૨૩ મીમી અને ધોલી ડેમમાં ૮૦ મીમી વરસાદ ખાબક્યો હતો.
સોમવારે ૬ વાગ્યાથી સાંજે ૪ કલાક સુધીનો ભરૂચ જિલ્લામાં વરસાદ
અંકલેશ્વરમાં ૧૧મીમી,ભરૂચમાં-૧૫ મીમી,વાલિયામાં ૧૫ મીમી,સૌથી વધુ નેત્રંગમાં ૧૮૮ મીમી,હાંસોટમાં ૯ મીમી,વાગરામાં ૩ મીમી.જંબુસરમાં ૪ મીમી, આમોદમાં-૮ મીમી અને ઝઘડિયામાં ૩૨ મીમી વરસાદ પડ્યો