ભરૂચ: ભરૂચના (Bharuch) ભોલાવ વિસ્તારમાં આવેલી ગાયત્રી કૃપા સોસાયટીમાં રહેતા લખીગામના તલાટી કમ મંત્રીનું ATM કાર્ડ બદલી ગઠિયાએ સોનાની (Gold) ખરીદી કરી ૧.૦૫ લાખથી વધુની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઈ હતી. પ્રવીણસિંહે ફરિયાદમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, તેઓ જ્યારે ATM પીન જનરેટ કરતી વખતે પાછળ ઊભેલા કોઈ વ્યક્તિએ તેમનો ATM પાસવર્ડ મેળવી તેમના ધ્યાન બહાર એકાઉન્ટમાંથી ATM કાર્ડનો દુરુપયોગ કરી રૂ.૧,૦૫,૪૪૦ ઉપાડી ચાઉં કર્યા હતા. સમગ્ર ઘટના અંગે પ્રવીણસિંહે ભરૂચ સાઈબર ક્રાઈમ પોલીસમથકે અજાણ્યા ભેજાભાજ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વાગરા તાલુકાના લખીગામના તલાટી કમ મંત્રી તરીકે પ્રવીણસિંહ ફતેસિંહ રણા ફરજ બજાવે છે. ગત તા.૧ જૂનના રોજ SBI બેંકનું ATM કાર્ડ લઇ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઈનોક્સ મલ્ટિપ્લેક્સ સ્થિત ATM સેન્ટરમાં પીન નંબર જનરેટ કરવા ગયા હતા. દરમિયાન OTP નહીં આવતાં તેઓ ત્યાંથી નીકળી ઘરે આવી ગયા હતા. ઘરે આવતા તેમના મોબાઈલમાં બેંક એકાઉન્ટમાંથી પ્રથમ વખત રૂ.૯૫૦૦, ત્યારબાદ એટલી જ રકમ બે વખત અને અંતે રૂ.૨૦૦૦ ATMમાંથી ઉપડેલા હોવાનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તેમના એકાઉન્ટમાંથી વૈભવ જ્વેલર્સમાં રૂ.૭૪૯૪૦ ખરીદી કરતાં ફરીવાર મેસેજ આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે તરત જ વૈભવ જ્વેલર્સ ખાતે જતા એવી માહિતી મળી હતી કે, કોઈ અજાણ્યો ઇસમ આવીને સોનાના સિક્કા ખરીદી કરીને SBI કાર્ડથી પાસવર્ડ નાખીને પેમેન્ટ કરી બિલ લીધા વગર તરત જ નીકળી ગયો હતો. CCTV ફૂટેજ જોતાં માથા પર ટોપી પહેરેલી કોઈ અજાણી વ્યક્તિ જણાઈ આવે છે. તેમને ઓળખતા ન હતા.
ગઠિયાએ તલાટીના ખાતામાંથી એક લાખ ઉપાડી જ્વેલર્સની દુકાને જઈ સોનાના સિક્કા પણ ખરીદી લીધા અને બીલ લીધા વગર જ નિકળી ગયો
કઠોરની ગલિયારા હાઇસ્કૂલની શિક્ષિકાનું 1.32 લાખની મત્તા ભરેલું પર્સ આંચકનાર બે ઝડપાયા
કામરેજ : કઠોરની ગલિયારા હાઈસ્કૂલનાં શિક્ષિકા મોપેડ ઉપર ઘરેથી સ્કૂલે જઇ રહ્યાં હતાં. તે સમયે કઠોર પાસે મોટરસાઇકલ ઉપર આવેલા બે ગઠિયા તેમણે મોપેડમાં પગની પાસે રાખેલું તેમનું પર્સ ખેંચીને ભાગી ગયા હતા. તેમના પર્સમાં સોનાની ચેઇનવાળી ઘડિયાળ પણ હતી. તેમણે કુલ રૂપિયા 1.32 લાખની ચીલઝડપની ફરિયાદ કરી હતી. દરમિયાન કામરેજ પોલીસને બંને બદમાશોને પકડી પાડવામાં સફળતા મળી છે.
મૂળ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગુંદાળા ગામના વતની અને હાલ સુરતના હીરાબાગ સ્થિત રૂસ્તમબાગની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતાં હેમાંગી હાર્દિકભાઈ રાંક કામરેજ તાલુકાના કઠોર ખાતે આવેલી વમળચંદ દેવચંદ ગલિયારા હાઈસ્કૂલમાં સાત વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરે છે. બે દિવસ અગાઉ તેઓ તેમની એક્ટિવા મોપેડ નંબર જીજે 05 એમકયુ 2343 લઈને સવારે 9.00 કલાકે ઘરે થી સ્કૂલે આવવા માટે નીકળ્યા હતા. વરસાદ પડતો હોવાથી તેમણે તેમના બે મોબાઈલ અને સોનાનો દોઢ તોલાની ચેઈન સાથેની કાંડા ઘડિયાળ પર્સમાં મૂકીને પર્સ મોપેડમાં આગળ પગ પાસે રાખીને આવી રહ્યા હતા. ત્યારે અબ્રામા ગામથી મોટરસાઈકલ પર બે અજાણ્યા ઈસમો પીછો કરતા હોવાની શંકા જતાં તેમણે તેમના મોપેડની સ્પીડ વધારી દીધી હતી. તેમ છતાં બંને બદમાશોએ તેમને કઠોરના વાધેશ્વરી માતાના મંદિર પાસે આંતરી લીધા હતા અને મોટરસાઇકલ તેમના મોપેડની આગળ ઊભી કરી દીધી હતી અને પર્સ આંચકીને કઠોર તરફ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે હેમાંગીબેને કામરેજ પોલીસ મથકમાં રૂપિયા 52000ની કિમતના બે મોબાઇલ ફોન તેમજ રૂપિયા 80000ની કાંડા ઘડિયાળની ચીલઝડપની ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમીના આધઆરે આ ગુનામાં સંડોવાયેલા સરફરાઝ ઉર્ફે સફફુ યાશીન પઠાણ અને અકરમ ઉર્ફે મામા રફીક ચોકયાને આંબોલીના સહકાર નગર ખાતેથી ઝડપી લીધા હતા. આ બંને મોબાઇલ અને ઘડિયાળ વેચવા નીકળ્યા હતા ત્યારે જ ઝડપાઇ ગયા હતાં. આરોપી પૈકી સરફરાઝ 2019માં પણ ચોરીમાં પકડાઇ ચૂક્યો છે.