અંકલેશ્વર, ભરૂચ: (Ankleshwar) ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી (Election) ટાણે જ દારૂની રેલમછેલનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર GIDCમાંથી સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડા પાડી પૂઠાઓની આડમાં હરિયાણાનો દારૂનો (Alcohol) રૂપિયા 24.79 લાખનો વિપુલ જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. અંકલેશ્વર એશિયન પેઇન્ટ ચોકડી પાસેની ક્રેડિલા ફાર્માસ્યુટિકલ-2 કંપની નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલે માતબર દારૂ અને કન્ટેનર મળી કુલ રૂા. 32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીની ધરપકડ કરી છે.
- અંકલેશ્વરમાં ચૂંટણી ટાણે જ દારૂની રેલમછેલ કરવાનો કારસો
- હરિયાણાના કન્ટેનરમાં પૂઠાંનાં બોક્સમાં ભરેલી 15720 બોટલ મળી આવી
- કન્ટેન્ટર ચાલક સહિત 2ની ધરપકડ, 3 બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા
- દારૂ, 2 મોબાઈલ અને કન્ટેનર મળી 32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો
- સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને GIDCમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ચુંટણી ટાણે દરોડો પાડ્યો
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દારૂનું રેલમછેલ અટકાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે જિલ્લામાં ધામા નાંખ્યા છે. દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરની એશિયન પેઇન્ટ ચોકડી પાસેની ક્રેડિલા ફાર્માસ્યુટિકલ-2 કંપની નજીક માર્ગની સાઈડમાં પાર્ક કરેલું કન્ટેનર નં.(એચ.આર. 45.સી.8419)માં વિદેશી દારૂનો વિપુલ જથ્થો સંતાડ્યો છે એવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં તેમાં બોક્સની આડમાં સંતાડેલા વિદેશી દારૂની 15720 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 24.79 લાખનો દારૂ અને 2 મોબાઈલ ફોન તેમજ કન્ટેનર મળી કુલ ₹32.88 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કન્ટેનર ચાલક સહિત રાજસ્થાનના મહેરાણા ખાતે રહેતા રાકેશ ભોળારામ જાંટ, રાજેન્દર બિરબલ જાંટને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ મોકલાવનાર અને મંગાવનાર સહિત 3 બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ જિલ્લાને ધમરોળી જુગારની કલબ અને દારૂના ગેરકાયદે વેપલાને ઝડપી રહી છે. ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ રહી હોવા સાથે સવાલો પણ ઊઠી રહ્યા છે. આજે પણ બહારની એજન્સીએ વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડતાં જીઆઈડીસી પોલીસ સવાલોના ઘેરામાં આવી ગઈ હોય તેવો ઘાટ સર્જી દીધો છે.