ભરૂચ: (Bharuch) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Election) ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરાવવામાં આવતા ભરૂચમાં યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ મેળવવાનું શરૂ કર્યું છે. રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીનો દિવસ છે. ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાવવાનું આજથી શરૂ થઈ ગયું છે. ભરૂચ મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરી ખાતેથી આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
સવારે 10.30થી બપોરે 3 વાગ્યા સુધીમાં તારીખ 13 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. કોવિડ-19ની ગાઈડ લાઇન પ્રમાણે ઉમેદવાર સાથે 3 વ્યક્તિ ચૂંટણી અધિકારીની કચેરીમાં ફોર્મ જમા કરાવી શકશે. ભરૂચ જીલ્લામાં 9 તાલુકા પંચાયત, 3 નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. જે માટે ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ફોર્મ ભરાવાની શરૂઆત છતાં કોંગ્રેસ- ભાજપના ઉમેદવારના નામ જાહેર નહી થતા કાર્યકર્તાઓ અવઢવમાં
અંકલેશ્વર: (Ankleshwar) નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરાવાની શરૂઆત તારીખ ૮મી ફેબ્રુઆરીથી થઈ ચૂકી છે. ત્યારે હજુ પણ મુખ્ય બે પક્ષ એવા અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની યાદી જાહેર નહી થતા દાવેદાર અને કાર્યકર્તા એમ બંને વર્ગને ભારે અવઢવની પરિસ્થિતિ અનુભવી રહ્યા છે. એક તરફ અંકલેશ્વર નગરપાલિકાની ચુંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના તમામ દાવેદારો અત્યારે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ ટિકિટ મળશે કે નહીં ! આ મુદ્દાને લઈને ભારે ચડસાચડસી પણ ચાલી રહી છે. એક તો ભાજપાની વાત કરીએ તો ત્રણ ટર્મ અને ૬૦ વર્ષથી વધુ વયના દાવેદારોને કાપવાની વાત ચાલે છે. ત્યારે સૌથી વધારે તો લડાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસમાં મર્હુમ અહેમદભાઇ પટેલ નહી હોવાથી અત્યાર સુધી કોંગ્રેસ પણ ઉમેદવારોને નક્કી કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે.
બંને પક્ષને નડી રહેલી આંતરિક જૂથબંધી
આંતરિક જૂથબંધી પણ બંને પક્ષોને નડી રહી છે. ત્યારે હાલ કોંગ્રેસ અને ભાજપના દાવેદારો ગાંધીનગર અને અમદાવાદ ખાતે પહોંચી ગયા છે, જ્યાં હાલ પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ ચાલી રહી છે. મેરેથોન મિટિંગમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કોના નામ આવશે અને ફાઇનલ ઉમેદવાર તરીકે મેન્ડેટ કોને મળશે. તેની અસમંજસમાં હાલ અંકલેશ્વર પાલિકાના દાવેદારો મથામણમાં છે. આ જ પરિસ્થિતિ સમર્થકોમાં અને નાગરિકોમાં પણ છે. 9 વૉર્ડના 72 ઉમેદવારો કોણ હશે અને અપક્ષ કેટલા હશે તેના પર સૌની નજર ટકી રહી છે.
મહુવા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૪૫ ઉમેદવારીપત્રક વિતરણ કરાયા
અનાવલ : મહુવા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક વિતરણ કરવાના પ્રથમ દિવસે ૪૫ ઉમેદવારીપત્રક વિતરણ કરવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટી રહ્યો છે, ત્યારે ઉમેદવારીપત્રક વિતરણ અને ઉમેદવારીપત્રક રજૂ કરવા માટે અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જેમાં પ્રથમ દિવસે તાલુકા પંચાયત બેઠક માટે ૨૭ જેટલા ઉમેદવારીપત્રક વિતરણ કરવામાં આવ્યા હતા. તો જિલ્લા પંચાયતની બેઠક માટે ૧૮ જેટલા ઉમેદવારીપત્રક મળી કુલ ૪૫ ઉમેદવારીપત્રક વિતરણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા હજી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી, ત્યારે જેમ જેમ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ નજીક આવશે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થતું જણાશે.