ભરૂચ: ભરૂચમાં (Bharuch) ખાના ખજાના પાસે અમદાવાદના (Ahmedabad) ઇન્વેસ્ટર્સની (Investors) રોડ પર પાર્ક કરેલી હુન્ડાઈ વેન્યુ ગાડીમાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમે ડીકી તોડીને બેગમાંથી રૂ.1 લાખ રોકડા, RC બુક,ઈન્સ્યોરન્સ, ટેક્સના કાગળો, કંપનીનાં બિલો, BOBના બે બે ચેક તેમજ કંપનીના સહી કરેલા ૬ ચેક ચોરી કરવાની ઘટના બની છે.અમદાવાદ દાણી લીમડાના મોમીન પ્લાઝામાં રહેતા 55 વર્ષીય જીવાજી બાવાજી સમા તેમના પરિવાર સાથે રહીને વલસાડ જિલ્લાના ચીખલા ગામે કિશન પોલી પ્લાસ્ટ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ તેમજ માલ સપ્લાય માટેનો વ્યવસાય કરે છે. તેઓ ધંધાર્થે વાપી ખાતે ભાડામાં મકાનમાં રહે અને અમદાવાદથી વાપી ખાતે અપડાઉન કરે છે. આ ધંધામાં તેમનો ભાણેજ અમીરહમઝા ઝાકીરહુસેન પીરઝાદા મદદ કરે છે.
ભરૂચ ખાના ખજાના હોટલ ઉપર જમવા રોકાતા રોડ પર પાર્ક કરી હતી
તેમની હુન્ડાઈ વેન્યુ ફોરવ્હીલ કારમાં ભાણેજ સાથે વાપીથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. તેમની ગાડીમાં ઓફિસની બેગમાં પાંચસોના દરની રૂ.1 લાખ રોકડા, RC બુક, ઈન્સ્યોરન્સ, ટેક્સના કાગળો, કંપનીનાં બિલ, તેમની પત્ની મહેરુનની શાહની અને પોતાની BOB ચેક બુક, કંપનીના આશરે 6 જેટલા એમાઉન્ટ લખેલા સહી કરેલા ચેકો, જેકેટ ગાડીના ડીકીમાં મૂકીને જતા હતા. તા.24 ડિસેમ્બરે રાત્રે ભરૂચ ખાના ખજાના હોટલ ઉપર જમવા રોકાતા રોડ પર પાર્ક કરી હતી.
કોઈક જાણભેદુ તસ્કર હોવાનું અનુમાન
જમીને પરત કાર પાસે જતા પાછળ સાઈડમાં દરવાજાનો કાંચ તૂટેલો હતો. ચેક કરતાં ડીકીમાં મૂકેલા રોકડા રૂ.1 લાખ સહિત તમામ વસ્તુઓ કોઈ ચોર ઇસમ ચોરી કરી હતી, જેમાં ખાસ કરીને ૬ ચેક સહી અને એમાઉન્ટ ભરેલી ચોરી થઇ હતી. જે બાબતે જીવાજી બાવાજી સમાએ ભરૂચ એ-ડિવિઝનમાં ફરિયાદ કરતા અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે, કોઈક જાણભેદુ તસ્કર હોવાનું અનુમાન લાગી રહ્યું છે.
બલેશ્વરની સીમમાં બંધ પડેલી મિલમાંથી ૩૦ હજારના કોપર વાયરની ચોરી
પલસાણા: પલસાણાના બલેશ્વર ગામની સીમમાં આવેલી એક બંધ મિલમાં તસ્કરોએ મિલમાં પડેલા અંદાજે ૩૦ હજારની મત્તાના કોપર વાયરની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ત્યારે આ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલા હાઇવે ૫૨ કાલા ઘોડાના ગેટની બાજુમાં નીરમાન કંપની જેને છેલ્લાં ચાર વર્ષથી એસબીઆઇ બેંક દ્વારા સીલ કરવામાં આવી હતી. ત્યારે આ મિલને ગત રવિવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. અને મિલના પાછળના ભાગે આવેલા દરવાજાને તોડી મિલમાં પ્રવેશ કરી મિલમાં મૂકેલો ૫૦ કીલો કો૫૨ના વાય૨ કિંમત ૩૦ હજારની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ અંગે મિલના સિક્યુરિટી દ્વારા તેમના ઇનચાર્જને જાણ કરતાં તેમણે અજાણ્યા ચોરો વિરુદ્ધ પલસાણા પોલીસમથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.