ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નેશનલ હાઇવે (National Highway) નં. 48 પર આવેલ સ્વામિનારાયણ મંદિર (Temple) નજીક અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર ભાઈ-બહેનને અડફેટે લેતા બહેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ભાઈ બહેન નેશનલ હાઇવે નંબર-૪૮ પરથી શાકભાજી માર્કેટ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
- અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર ભાઈ-બહેનને અડફેટે લેતા બહેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
- નેશનલ હાઇવે નં. ૪૮ પર કાળમુખી ટ્રકે ભાઈ-બહેનને અડફેટે લેતા ભાઈની સામે બહેનનું કરૂણ મોત
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના તવરા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા અંકિત પ્રજાપતિ પોતાની બહેન ભૂમિકા પ્રજાપતિ સાથે મોટર સાયકલ નં. GJ-૧૬ -BC-૦૭૪૯ લઈ નેશનલ હાઇવે નંબર-૪૮ પરથી શાકભાજી માર્કેટ જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી ટ્રક નંબર GJ-૧૪ X-૧૪૨૩ના ચાલકે પુરઝડપે આવી સ્વામિનારાયણ મંદિર નજીકના કટથી સર્વિસ રોડ પર હંકારી બાઇક સવાર ભાઈ-બહેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ભાઈ અંકિત પ્રજાપતિને હાથે-પગે ગંભીર ઇજાઓ પોહોંચી હતી, જ્યારે બાઈક પર બેસેલ બહેન ભૂમિકા પ્રજાપતિના શરીર પર ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મુકીને ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ સી-ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત અંકુર પ્રજાપતિને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યારે ભૂમિકા પ્રજાપતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ આરંભી છે.
નવા વાડિયા ગામે રિક્ષાચાલકને ઘરે તાળા તોડીને રૂ.૧.૧૬ લાખની ચોરી
ભરૂચ: આમોદના એક ગામમાં બંધ મકાનને નિશાન બનાવી રૂ.૧.૧૬ લાખની હાથફેરો કરી ભાગી છૂટ્યા હતા. આમોદના નવા વાડિયા ગામે રીક્ષા ચાલકના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડા મળી સવા લાખની ચોરી કરી ગયા હતા. આમોદ નવા વાડિયા ખાતે રહેતા રીક્ષા ચાલક વિષ્ણુભાઈ વસાવાના કાકા ભીખાભાઈના દીકરાના લગ્ન હતા. કાકાનું મકાન કાચું હોય લગ્ન માટે ખરીદેલી સોનાની બુટ્ટી, કડી, નાકની વાળી, પેન્ડલ, ચાંદીની પાયલ, છરા, મંગળસૂત્ર સહિતના દાગીના ભત્રીજા વિષ્ણુભાઈના ઘરે સાચવવા આપી હતી.
તા-૨૧મી એપ્રિલે વિષ્ણુભાઈના સસરાની વરસી હોય તેઓ રીક્ષા લઈ પરિવાર સાથે ટંકારીયા ગયા હતા. બીજા દિવસે તેમના પર ફોન આવ્યો હતો કે તેમના ઘરના દરવાજા ખુલ્લા છે. તેઓ ઘરે પરત આવતા તસ્કરો તેમના દરવાજાનો નકુચો કાપી અંદર પ્રેવશ્યા હતા. ઘરનો સમાન વેરવિખેર કરી તિજોરીમાંથી તેમના અને તેમના કાકાના દાગીના તેમજ રોકડા ૩૫ હજારની ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે તેઓએ રૂ.૧.૧૬ લાખની મત્તાની ચોરી થતા આમોદ પોલીસમાં ગુનો નોંધાયો હતો.