ભરૂચ: હે માં..,મારો શું વાંક,એક વર્ષ જેટલા સમયે તારી પાસે હું રહી છું,થોડો સમય તારા ખોળામાં રમી છું.તમારા માવતર પ્રેમથી જ તો આ દુનિયા જોવા જન્મી છું, અને આજે તું મને તરછોડી દે..!! ભરૂચ (Bharuch) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર લઇ રહેલી બાળકીના મનમાં કદાચ આજે નહિ તો કાલે આ શબ્દો આવશે જ. કારણ કે આ દુનિયામાં જન્મ લઇ એ બાળકીએ આજે જે દિવસો જોયા છે તે દિવસો ની કોઈ પણ માનવી કલ્પના જ ન કરી શકે. હજુ દુનિયામાં જન્મ લઇ માતા સાથે આંગળી પકડવાનું સપનું બાકી હતું તે જ માતા એ શનિવારે તેની આંગળી છોડીને તરછોડી દીધી છે.
- નિષ્ઠુર જનેતા અને જનકે ખોડખાંપણ ધરાવતી દોઢ માસની બાળકીને તરછોડતાલોકોએ ફિટકાર
- મહિલાએ બાળકીને ઊંચકીને શાંત પાડી, સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડાઈ
- પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર ભરૂચના જુના સરદાર બ્રીજ (Sardar Bridge) પાસે નવા થેલામાં ત્યજી દીધેલ બાળકી મળી આવી હતી. બ્રિજ પાસેથી પસાર થતી મહિલાને નજીકમાં પડેલ બિનવારસી પાન મસાલાના થેલામાંથી બાળકનો અવાજ આવતા મહિલાએ થેલો ખોલી જોતા તેમાં બાળકી હોવાનું સામે આવ્યું હતું. મહિલાએ તરત જ બાળકીને હાથમાં લઈ તેને રમાડીને શાંત પાડી હતી. અને ત્યાર બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બીજી તરફ ફૂલ જેવી માસૂમ બાળકીને તરછોડી દેનારા માતા પિતા સામે ઘટના બાદથી લોકો ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા છે.
ખોડખાંપણના લીધે બાળકીને ત્યજી હોવાનું અનુમાન
ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના સરદાર બ્રિજની નીચે એક નવો નકોર થેલો પડ્યો હતો. થેલો કામ લાગે તેવો હોવાના કારણે મહિલા શાંતાબેન રાઠોડ થેલો લેવા ગયા હતા અને થેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો. મહિલાએ થેલાની ચેઇન ખોલીને જોતાં અંદરથી અંદાજે દોઢ માસની બાળકી મળી આવી હતી.
માસુમ બાળકીને શાંતાબેન રાઠોડે પોતાના હાથમાં લીધી અને બાળકીને રમાડીને તેણીને શાંત કરી બાળકીના મોઢાના ભાગે ખોડખાપણ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે તેના માતા પિતાએ તેને તરછોડી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને માસૂમ બાળકીને તરછોડી દેનાર વાલીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. માસૂમ બાળકીને હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.