ભૃગુઋષિનું ભરૂચ નગર હવે ડેવલપમેન્ટમાં નવો આકાર લઇ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય ઓવરબ્રિજના નિર્માણ માટેની રૂ. 41 કરોડની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. હવે ભરૂચ ભવિષ્યમાં ફ્લાયઓવર શહેર બની જશે. આજના રાજ્યના નગરો-મહાનગરોમાં ફલાય ઓવર, રેલવે ઓવરબ્રિજ, અંડરબ્રિજના નિર્માણથી વાહન વ્યવહાર સરળ બનાવવા અને ટ્રાફિક જામની સમસ્યા કાયમી હલ કરવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આવાં કામોને મંજૂરી આપવાનો અભિગમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપનાવેલો છે.
ખાસ કરીને મુખ્યમંત્રીએ ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપુરા સર્કલ ફલાય ઓવરબ્રિજનાં કામો માટે રૂ.41 કરોડ મંજૂર કર્યા છે. આ ફલાય ઓવર 1530 મીટર લંબાઇ અને 8.40 મીટર પહોળાઇ ધરાવતો ફ્લાયઓવર બનશે. ભરૂચ નગરમાં આ ફ્લાય ઓવરબ્રિજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલવે સ્ટેશન જનારા લોકો માટે અનુકૂળતા રહેશે. એટલું જ નહીં આ બ્રિજની ડિઝાઇન ત્રિકોણ હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દૃષ્ટિએ ભરૂચ નગરપાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રિજની કામગીરીથી આવરી લેવાશે.
જો કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ભરૂચ સહિત 7 નગરમાં ફ્લાયઓવર માટે રૂ.289.50 કરોડની રકમ મંજૂર કરી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓમાં 29 ફ્લાય ઓવરબ્રિજ રૂ.1485 કરોડના ખર્ચે મંજૂર કરેલા છે.