Dakshin Gujarat

ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાની ખુરશી સામે ખતરો : જાતિના વિવાદને લઈ તપાસ સોંપાઇ

ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે પ્રમુખપદ હાંસલ કર્યું હોવાની કોર્ટમાં થયેલી રજૂઆતના કારણે કોર્ટે આ મામલે એ ડિવિઝન પોલીસને તપાસના આદેશ આપતા ગુરૂવારે પ્રમુખ સામે જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવા અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં 17 માર્ચે યોજાયેલી પ્રમુખની ચૂંટણીમાં શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટી BJP તરફથી વોર્ડ નં. 5 ની સામાન્ય બેઠક ઉપરથી ચૂંટાયેલા અનુસૂચિત જાતીના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. સામે વિરોધપક્ષ કોંગ્રેસ તરફથી અનુસૂચિત જાતીનો કોઈ જ ઉમેદવાર ચૂંટાયો ન હોય અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતાં અમિત ચાવડાને બિનહરીફ જાહેર કરાતાં ભરૂચ પાલિકાના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી.

ભરૂચ નગર પાલિકાના વર્તમાન પ્રમુખ માટે અઢી વર્ષની ટર્મ અનુસૂચિત જાતીના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. જેને લઈ પાલિકાના સભાખંડમાં યોજાયેલી પાલિકા પ્રમુખની આ ચૂંટણીને દિનેશ ખુમાણ નામના અરજદારે કોર્ટમાં પડકારી હતી. કોર્ટના ચુકાદા અંગે અરજદારના વકીલ અશ્વિન ખંભાતાએ જણાવ્યુ હતું કે, અમિત ચાવડા જાતિના બોગસ દાખલાના આધારે પ્રમુખ બન્યા છે. આ અંગે તેઓ દ્વારા પ્રથમ સી-ડિવિઝન, બાદમાં એ-ડિવિઝન અને જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી હતી. જોકે શાસક પક્ષના ઇશારે ફરિયાદ નોંધી ન હોવાના આક્ષેપ અસીલ દ્વારા કરાતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલામાં પોલીસને તપાસ કરવા આદેશ કર્યો છે અને 30 દિવસમાં તેનો રિપોર્ટ સોંપવાનો રહેશે.

ફરિયાદ મુજબ અમિત ચાવડાએ પ્રમુખ પદ મેળવવા હિન્દુ માહ્યાવંશી હોવાનો જાતિનો ખોટો દાખલો રજૂ કર્યો હતો જો કે તેમના સ્કૂલના દાખલામાં તેઓ હિન્દુ દરજી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. દસ્તાવેજોના આધારે તેઓ માહયાવંશી ન હોય તો તેમને પ્રમુખ પદ અપાયું કેવી રીતે એના પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કોર્ટના આદેશ બાદ ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે પ્રમુખ અમિત ચાવડા સામે જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નવજીવન અને આર.એસ.દલાલ હાઈસ્કૂલના શાળા છોડયાના પ્રમાણ પત્રમાં અમિત ચાવડાની જાતિ દરજી બતાવી છે. જ્યારે તેઓએ ચૂંટણીમાં તેમના પિતા શિવલાલ દરજી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા હોય હિન્દૂ મહયાવંશીનું પ્રમાણપત્ર પ્રમુખ પદ મેળવવા કઢાવ્યું હોવાનો પણ FIRમાં ઉલ્લેખ કરાયો છે. હવે પોલીસ તપાસમાં જ અમિત ચાવડાની જાતિ પ્રમાણપત્રનાે વિવાદ અને તેમના પ્રમુખ પદનો તમામ મદાર રહેલો છે.
હું જન્મજાત મહ્યાવંશી છું અને રહીશ જેના પુરાવાઓ રજૂ કરાશે : પ્રમુખ
આ અંગે નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, કોર્ટના આદેશનું પાલન કરું છું. મારા દ્વારા કોઈ ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. રાજકીય ઇશારે આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આગળના દિવસોમાં કાયદાને અનુરૂપ પગલાં લેવામાં આવશે.

પૂર્વ શહેર પ્રમુખ ધનજી ગોહિલનું પત્તું કાપી અમિત ચાવડાને પ્રમુખ બનાવાયા હતા
ભરૂચ પાલિકાના પ્રમુખ પદ માટે 2 દાવેદારો હતા. જેમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ધનજી ગોહિલનું પત્તું કપાયું હતું અને યુવા આગેવાન અમિત ચાવડાને પ્રમુખ પદનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારથી જ તેઓની જાતિનો વિવાદ ચાલી રહ્યો છે.

Most Popular

To Top