ભરૂચ જિલ્લાના ઇકો પોઈન્ટ ગણાતા નેત્રંગ તાલુકામાં માત્ર 10 કલાકમાં અઢી ઇંચ મેઘરાજાનું આગમન થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. શુક્રવારે વહેલી સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે આખા ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. આથી હવે ધરતીપુત્રો ખેતીના કામમાં જોતરાઈ જશે. આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી હવામાન ખાતાએ આગાહી કરતાં ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે.
અરબી સમુદ્બના કિનારે આવેલા ભરૂચ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી મેઘમહેર થતાં નગરજનોને ભરઉનાળાની ગરમીથી છૂટકારો મળ્યો એવો અહેસાસ થઇ રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે ઘેરાયેલાં વાદળો વચ્ચે ભરૂચ જિલ્લામાં તમામ નવ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ભરૂચ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં સૌથી વધારે સાતપુડા તળેટી એવા નેત્રંગ તાલુકામાં 68 મીમી, આમોદમાં 26, અંકલેશ્વરમાં 12 મીમી, ભરૂચમાં 5 મીમી, હાંસોટમાં 31 મીમી, જંબુસરમાં 18 મીમી, વાગરામાં 41 મીમી, વાલિયામાં 11 મીમી અને સૌથી ઓછો ઝઘડિયામાં 4 મીમી વરસાદ પડ્યો હતો.
ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ વિભાગે આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. જે માટે વહીવટી તંત્ર સાબદું થઇ ગયું છે. ખાસ કરીને વરસાદનો શુભારંભ થતાં ખાસ કરીને કોટન બેલ્ટ ગણાતા ભરૂચ જિલ્લામાં ધરતીપુત્રો હવે ખેતીના કામે જોતરાઈ જશે. કપાસની ખેતીમાં બીજ રોપવા માટે તૈયાર કરેલી જમીનમાં કામે લાગશે. આજના વરસાદથી સામાન્યતઃ નેત્રંગ, હાંસોટ પંથકમાં રોડની ધારે વરસાદી પાણી નીકળી રહ્યા હતા. વરસાદને કારણે માટીની મહેક પ્રસરી ગઈ હતી.