ભરૂચ જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિના પહેલા અઠવાડિયામાં 74.67 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જો કે, ભરૂચ જિલ્લામાં ધરતીપુત્રો હજુ આખા સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની અપેક્ષા રાખીને બેઠા છે. સાતપુડાની તળેટીમાં ત્રણેય ડેમોમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. છતાં હજુ ત્રણેય ડેમ ભરાયા નથી. જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જાણે વરસાદ નહીં પડતાં ધરતીપુત્રો માટે ચિંતામાં ગરકાવ થતા ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ગત 3 સપ્ટેમ્બર 2020માં 125.03 ટકા વરસાદ પડ્યો હતો. જ્યારે આ વર્ષે તા.3 સપ્ટેમ્બર-2021માં 50.36 ટકા વરસાદ પડ્યો હતો. જેને કારણે ગત વર્ષની સરખામણીએ 74.67 ટકા ઓછો વરસાદ પડ્યો છે. જો કે, હજુ પણ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડવાની આશા છે. થોડો વરસાદ પડતાં ભરૂચ જિલ્લામાં ત્રણેય ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે.
બલદેવા ડેમમાં પાણીની સપાટી વધીને 135.50 મીટર થઇ છે. પીંગોટ ડેમની સપાટી 135.68 મીટર થઇ છે. જ્યારે ધોલી ડેમની સપાટી 133 મીટર થઈ છે. બલદેવા ડેમમાં 19.50 ટકા પાણી છે. પીંગોટમાં 36 ટકા પાણી છે. જ્યારે ધોલી ડેમમાં 65 ટકા પાણી છે. આમ, અગાઉનાં વર્ષોમાં ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ત્રણેય ડેમ પાણીથી ભરાઈ જતા હતા. છતાં આ વર્ષે હજુ પાણીથી ભરાયા નથી.