સમગ્ર ભરૂચ જિલ્લામાં બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં સૌથી વધુ અરબી સમુદ્ર કિનારે હાંસોટ તાલુકામાં સવા ત્રણ ઇંચ અને ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં સવા બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સાતપુડા તળેટીમાં એક ડેમમાં 2 સેન્ટિમીટર પાણીની સપાટીનો વધારો થયો હતો. હવામાન ખાતાએ આગામી 22મી ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરતાં વહીવટી તંત્ર સાબદું થઇ ગયું છે. ગત મંગળવારથી મેઘરાજાએ મહેર કરતાં ઠેરઠેર ઠંડક પ્રસરી ગઈ હતી.
જૂન, જુલાઈ મહિનામાં વરસાદે હાથતાળી આપતાં સૌના માટે ચિંતાનો વિષય બની ગયો હતો. પવિત્ર શ્રાવણ મહિનો આવતાં મેઘરાજાએ ભારે મહેર કરતાં સૌના માટે રાહતનો શ્વાસ લીધો હતો. 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકામાં 3 મીમી, અંકલેશ્વરમાં 58 મીમી, ભરૂચ તાલુકામાં 42 મીમી, હાંસોટમાં 81 મીમી, જંબુસરમાં 2 મીમી, નેત્રંગમાં 9 મીમી, વાગરામાં 9 મીમી, વાલિયામાં 9 મીમી અને ઝઘડિયામાં 4 મીમી વરસાદ પડ્યો હતો.
બલદેવા ડેમની સપાટી 135.10 મીટર છે. પીંગોટ ડેમની સપાટી 135.06 મીટર છે. જ્યારે ધોલી ડેમની સપાટી 132.50 મીટર છે. છેલ્લા ચાર દિવસથી વરસાદ પડતાં પીંગોટ ડેમમાં 2 સેન્ટિમીટર પાણીની સપાટીમાં વધારો થયો છે. જો કે, હજુ ત્રણેય ડેમો સંપૂર્ણ ભરાયા નથી. અગાઉનાં વર્ષોમાં ઓગસ્ટ મહિનામાં ત્રણેય ડેમ ઓવરફ્લો થઇ જતા હતા.