Dakshin Gujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગ પાસે ઝરણાં ફૂટતાં બિલ્ડિંગ ધસી પડવાનો ભય

ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગ અદ્યતન સુવિધા સાથે તૈયાર કરાયું છે. પરંતુ તેમાં ઝરણાનું પાણી ભરાઇ રહેવાના કારણે વાહન પાર્કિંગ શોભાના ગાંઠિયાસમાન બની ગયું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કાર્યમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સંબંધીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં સીસીટીવી ફૂટેજ સાથે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના આ અદ્યતન સુવિધાવાળા પાર્કિંગમાં સતત પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.

જેના કારણે અદ્યતન સુવિધાવાળું પાર્કિંગ બિનઉપયોગી બની ગયું છે અને સિવિલ હોસ્પિટલમાં આવતા લોકો પોતાનાં વાહનો સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ પાર્કિંગ કરી રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં મોટી માત્રામાં પાણી ભરાઇ રહેવાના કારણે પાર્કિંગની જમીનમાં પોલાણ થઈ રહ્યું છે અને તેના કારણે સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગના પાયાઓ પણ નબળા પડી શકે તેવી દહેશત વર્તાઇ રહી છે. છતાં પણ ભરૂચ સિવિલ હોસ્પિટલના ચાળ માળની ઇમારત ઉપર વધુ પાંચ માળની ઈમારતનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

જેના કારણે ભરૂચ સિવિલ હોસ્પિટલ નવ માળની ઈમારત બની રહી છે ત્યારે બિલ્ડિંગના વધુ ભારણના કારણે પાર્કિંગમાં ફૂટી રહેલા ઝરણાના પાણીથી જમીનમાં પોલાણ થાય અને ગમે ત્યારે ધસી પડે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ કે હોસ્પિટલ સત્તાધીશોના જાનમાલને નુકસાન થાય તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊઠ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગ ઝોનમાં ફૂટી નીકળતા ઝરણાના પાણીથી બિલ્ડિંગ ધસી પડવાની દહેશત સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલ દેસાઈએ પણ સિવિલ હોસ્પિટલની આવડતના કારણે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી છે.

Most Popular

To Top