નવી દિલ્હી: ભારતની વસ્તીને (Population of India) લઈને રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. અસલમાં યુનાઈટેડ નેશન્સના (United Nations) એક અહેવાલ મુજબ 2060 ના દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી લગભગ 1.7 બિલિયન સુધી પહોંચવાનો અને ત્યારબાદ 12 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે, પરંતુ આમ છતા ભારત 21મી સદી દરમિયાન વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે.
ગુરુવારે જારી કરાયેલા ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2024’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્વની વસ્તી આગામી 50-60 વર્ષો સુધી વધવાનું ચાલુ રહેશે અને 2024માં 8.2 અબજ સુધી પહોંચશે, જ્યારે 2080ના દાયકાના મધ્ય સુધીમાં વિશ્વની વસ્તી અંદાજે 10.3 અબજ સુધી પહોંચી જશે. જો કે વસ્તીની દ્રષ્ટિએ ટોચ પર પહોંચ્યા બાદ સદીના અંત સુધીમાં વિશ્વની વસ્તી ધીમે ધીમે ઘટીને 10.2 અબજ થવાનો અંદાજ છે.
રિપોર્ટ ભારત વિશે શું કહે છે?
ભારત ગયા વર્ષે ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને 2100 સુધી તે જ સ્થાન પર રહેશે. ત્યારે યુએન ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશ્યલ અફેર્સ (ડીઈએસએ) ના પોપ્યુલેશન ડિવિઝન દ્વારા પ્રકાશિત યુએન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત આ સદીમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેવાની સંભાવના છે, જો કે 2060 ના દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી લગભગ 1.7 બિલિયન સુધી પહોંચી જશે.
આ સાથે જ 2025માં પણ ભારતની વસ્તીમાં 12 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, રિપોર્ટ અનુસાર 2024ના અંત સુધીમાં ભારતની વસ્તી 1.45 અબજ સુધી પહોંચી શકે છે. તેમજ તે 2054 માં વસ્તી વધીને 1.69 અબજ થઈ જશે. રિપોર્ટ મુજબ એવો પણ અંદાજ છે કે સદીના અંત સુધીમાં એટલે 2100માં ભારતની વસ્તી ઘટીને 1.5 અબજ થઈ જશે, પરંતુ તેમ છતાં ભાર વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે.
ચીનનું શું થશે?
યુએન ડીસાના વસ્તી વિભાગના વરિષ્ઠ અધિકારી ક્લેર મેનોઝીએ આ મામલે જણાવ્યું હતું કે, “ભારત હાલમાં વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે. ત્યારે સમગ્ર સદી સરમિયાન ભારત વસ્તીની દ્રષ્ટિએ ટોચ પર રહેવાની અપેક્ષા છે. હાલમાં ભારતની વસ્તી 1.45 અબજ સુધી પહોંચી શકે છે અને બાદમાં તે વધીને 1.69 અબજ થઈ જશે.
મેનોજીએ કહ્યું, “એવું માનવામાં આવે છે કે ભારતની વસ્તી 2060ની આસપાસ ટોચ પર આવશે અને પછી તે ધીમે ધીમે ઘટવા લાગશે.” આવી સ્થિતિમાં સદીના અંત સુધીમાં ભારતની વસ્તી અંદાજે 1.5 અબજ થઈ જશે, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2054માં ચીનની વસ્તી ઘટીને 1.21 અબજ થઈ જશે. હાલમાં ચીનની વસ્તી 1.41 અબજ છે.