ભરૂચ: ભરૂચની (Bharch) જીએનએફસી કંપનીમાંથી કેમિકલ ભરી સુરત તરફ જતું ટેન્કર (Tanker) લુવારા નજીક યુ-ટર્ન લઈ રહ્યું હતું. એ દરમિયાન પાછળથી આવતા ટ્રેલરે ટક્કર મારતાં કેમિકલ ભરેલ ટેન્કર પલટી (Turn Over) મારી ગયું હતું. જેના પગલે ડ્રાઈવર અંદર દબાઈ જતાં તેને બહાર કાઢી ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચની જીએનએફસી કંપનીમાંથી જ્વલનશીલ કેમિકલ ભરૂચ બારડોલીનો ડ્રાઈવર ઘનશ્યામસિંગ રાજેશસિંગ જઈ રહ્યો હતો.
ટેન્કર પલટી મારી જતાં તેમાં રહેલો ડ્રાઈવર અંદર ફસાઈ ગયો
એ દરમિયાન નેશનલ હાઈવે ઉપરના લુવારા નજીક યુ-ટર્ન લઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવેલા ટ્રેલરે ટક્કર મારતાં ટેન્કર પલટી મારી જતાં તેમાં રહેલો ડ્રાઈવર અંદર ફસાઈ ગયો હતો. જેને બહાર કાઢી ૧૦૮ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં લાશને પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો
અકસ્માતના પગલે જ્વલનશીલ કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારતાં તેમાં રહેલું કેમિકલ બહાર ઢોળાતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે ફાયર ફાઇટરોને જાણ કરવામાં આવતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિકને ડાયવર્ઝન આપી પલટી મારી ગયેલા ટેન્કરને સલામતીપૂર્વક ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.