ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા તમામ રાજકીય પાર્ટીઓ એકશન મોડમાં આવી ગઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના (BJP) અધ્યક્ષ જે.પી નડ્ડા (J P Nadda) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જે.પી નડ્ડાનું ઢોલ નગરા સાથે કમલમ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) સહિત વિજય રૂપાણી, નીતિન ગડકરી તેમજ તમામ વડીલ ભાજપા કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. જે.પી. નડ્ડા અમદાવાદ યુનિવર્સિટી કોન્વેન્શલ હોલ ખાતે કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા. જ્યાં સી.આર પાટીલ સહિત કેન્દ્રીય મંત્રીઓ તેમજ સાંસદો પણ હાજર રહ્યા હતા.
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં આયોજિત કાર્યકર્તા સંમેલનને સંબોધતા કહ્યું હતું કે મને ગુજરાતના વરિષ્ઠ કાર્યકરોને મળવાનો મોકો મળ્યો. બધાને ભાજપના કાર્યકર હોવાનું સૌભાગ્ય નથી મળતું. અન્ય પાર્ટીના કાર્યકરો પણ મારા મિત્રો છે અને હું તેમની સ્થિતિ જાણું છું. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ હવે ભાઈ બહેનની પાર્ટી થઈ ગઈ છે. અગાઉના રાજકીય પક્ષો સત્તાનો ઉપયોગ કરીને પોતાનો વિકાસ કરતાં હતા. હવે સ્થાનિક પક્ષો પણ પરિવારવાદના પક્ષો બની ગયાં છે.
વધુમાં તેમણે કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધમાં પોતાના નાગરિકોને બહાર કાઢવા કયા દેશોએ પ્રયત્નો કર્યા હતા? મોદી સરકારે ઓપરેશન ગંગા હેઠળ ભારતીય લોકોને યુદ્ધ જેવી પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા. ભારત એવો દેશ છે જેણે રશિયન પ્રેસિડેન્ટ પુતિન અને યુરોપિયન લીડરશીપ સાથે ચર્ચા કરીને ભારતીયોને સુરક્ષિત દેશમાં લાવવામાં આવ્યાં. હાલમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ચાર રાજ્યોમાં સત્તા મળી અને ગોવામાં હેટ્રિક કરી છે. તેમજ ભાજપની સીટો પણ વધી છે.
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કહ્યું કે કોરોના કાળ દરમિયાન બીજી પાર્ટાના નેતોઓ માત્ર ટ્વીટર પર જ ભેગા મળતા હતા પરંતુ ભાજપના કાર્યકરો કોરોનાકાળ દરમિયાન પણ ગ્રાઉન્ડ પર જઈ લોકો સાથે ઉભા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પાર્ટીમાં નાની મોટી કચાશ તો હોય જ છે પરંતું પાર્ટીના કાર્યકર્તા કાર્યક્રમમાં હાજર રહે છે. મને વટ વૃક્ષ પુસ્તક આપવામાં આવ્યું હતું. અને આજે ભાજપ કાર્યકર્તાઓથી જ વટવૃક્ષ બન્યો છે. કોરોનાના સમયમાં દર્દીને પરિવાર છોડી દેતો હતો ત્યારે ભાજપનો કાર્યકર તેમની સાથે હતો. સી આર પાટીલે પણ કહ્યું કે આજે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે અને તેમણે આ અંગે તમામ માહિતી આપી જ છે. કોરોનાના સમયમાં 17 હજાર બેડની વ્યવસ્થા ભાજપે કરી હતી. કોરોનાકાળ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કોરોનાના દર્દીઓ સાથે જ હતા, બીજેપીના કાર્યકર્તાઓએ ઘણી સેવા કરી છે તેથી જ દર્દીઓ ઝડપથી સાજા થયા છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રણનીતિ બનાવવા ગુજરાતના પાટનગર ગાંધીનગર પહોંચ્યા છે. અહીં તેમણે પત્રકાર પરિષદ યોજીને પત્રકારોના તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે જ્ઞાતિવાદ, કોમવાદ, પ્રદેશવાદ અને પરિવારવાદની રાજનીતિને જો કોઈએ સ્પર્ધા આપી હોય તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ છે. નડ્ડાએ કહ્યું હતું કે જનતાને સમર્પિત રહીને પાર્ટી અને પાર્ટીનો વિકાસ પરિવર્તનનું સાધન બનવું જોઈએ. આમાં પાર્ટી શું યોગદાન આપી શકે છે તેનું સફળ ઉદાહરણ ગુજરાતની ધરતી રહી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી શું પડકાર છે? ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી ભાજપને મળેલા પડકારનો જવાબ આપતા નડ્ડાએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ ચાર જગ્યાએ પ્રયોગો કર્યા પરંતુ યુપીમાં લગભગ તેમની બેઠકો જપ્ત થઈ ગઈ. બીજી તરફ ઉત્તરાખંડમાં 70માંથી 68 સીટો અને ગોવામાં 35 સીટો જતી રહી. મણિપુર ન ગયો કારણ કે તે ખૂબ દૂર હતું.
પીએમ મોદીએ કર્યું રાજકારણની સંસ્કૃતિ બદલવાનું કામ જેપી નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણની સંસ્કૃતિ બદલવાનું કામ કર્યું છે. અગાઉ ચૂંટણીની વાર્તાઓ જાતિવાદ, કોમવાદ, પ્રાદેશિકવાદ પર આધારિત હતી, પરંતુ આજે ચૂંટણીની વાર્તા વિકાસ રિપોર્ટ કાર્ડની છે. ભારત નિકાસનું હબ બન્યું છે: નડ્ડા નડ્ડાએ કહ્યું કે ભારત નિકાસનું હબ બની ગયું છે, ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નિકાસમાં રૂ. 40000 કરોડની નિકાસ કરી રહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને પાર્ટી પણ વિકાસ કરી રહી છે.