તા. છ એપ્રિલ, 2022, વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષે પોતાનો 42 મો સ્થાપના દિન ઉજવ્યો. ભારતીય જનતા પક્ષની 42 વર્ષની લાંબી કામગીરીને તપાસો તો લોકસભાની માત્ર બે બેઠકોથી વધીને 303 બેઠકો સુધીની તેણે સિધ્ધિ મેળવી છે. આ ઉપરાંત રાજયસભામાં 100 બેઠકોનું લક્ષ્ય પાર કરી જનાર ત્રણ દાયકામાં પ્રથમ પક્ષ બન્યો છે અને એ વાત પણ ભૂલાય નહીં કે ભારતીય જનતા પક્ષ 21 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે શાસન કરે છે. કોઇ પણ રીતે આ સિધ્ધિ કંઇ નાનીસૂની નથી. ખાસ કરીને 2014 પછી આ સત્ય માનવી અને સાધનોના સારા આયોજન અને ટોચના નેતાગીરીની કુનેહનું પરિણામ છે. વાજપેયી, અડવાણીના દિવસોમાં રામ જન્મભૂમિ ચળવળ સાથે હિંદુત્વની ઝુંબેશ માટે રથયાત્રા સાથે પાયો નંખાયો હતો તે મોદી શાહના યુગ સુધી પહોંચે તે એક રસપ્રદ યાત્રા છે. વાજપેયી અડવાણીથી મોદી-શાહ સુધીના કાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સ્થાપેલાં મૂલ્યો અને સિધ્ધાંતોનું ધરમૂળથી સંપૂર્ણ પરિવર્તનની કથા છે. ખુદ ભારતીય જનતા પક્ષ અને તેના અવતાર ભારતીય જનસંઘનો પાયો જ વ્યવહારુ રાજકારણનો છે. પરિણામે પક્ષ અત્યારે ચૂંટણી જીતનાર બની રહ્યો છે.
મોદી-શાહની જોડીને જ મોટા ભાગનો યશ આપવો પડે એવા અને સંઘ ભારતીય જનતા પક્ષના એજન્ડામાં જ કેન્દ્રવર્તી સ્થાને રહે તેવાં પગલાં આ યાત્રામાં ભરાયાં છે અને તે છે એક વારના રાજય જમ્મુ અને કાશ્મીરના રાજયનો વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણની કલમ 370 અને 35-એ ની નાબૂદી અને અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ- ભલે તેને માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોય. વાજપેયી-અડવાણીની જોડીના શાસનના નમૂના કરતાં મોદી-શાહના શાસનના નમૂનામાં ફેર છે. મોદી-શાહનું શાસન લોખંડી મહિલા ઇંદિરા ગાંધીના શાસનની યાદ અપાવે છે. જેમાં ચર્ચા, વિવાદ કે વિરોધને કોઇ સ્થાન નહીં હોય. ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીએ ભારતીય જનતા પક્ષના એક સ્થાપના દિન પ્રવચનમાં કહ્યું હતું કે દેશની સમસ્યાઓ કોઇ એક પક્ષ નહીં ઉકેલી શકે. કોઇ વ્યકિત ગમે તેટલી લોકપ્રિય હોય, ગુંચવાયેલી પરિસ્થિતિમાંથી માર્ગ નહીં કાઢી શકે. તેને માટે તમને રાજકીય સર્વાનુમતિની જરૂર છે. આ વિધાનની ભાવના અને ભારતીય જનતા પક્ષની વિચારધારા સામસામે છેડે છે. પક્ષના 42 મા સ્થાપના દિનની ઉજવણી સુધી પહોંચતાં સર્વાનુમતિ શબ્દનો ભોગ લેવાયો છે.
એક મજબૂત નેતા આપખુદીની ભાવના ધરાવે છે એવા અનેક દાખલા જોવા મળે છે પણ એવા પણ દાખલા જોવા મળે છે કે મજબૂત નેતાઓએ લોકશાહીની ભાવનાનું સંવર્ધન કર્યું હોય અને ચર્ચા અને મતભેદ વ્યકત કરવાને પ્રોત્સાહન આપ્યું હોય. પહેલાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને બાજુ પર મૂકો, જેમની લોકશાહી પ્રત્યેની પ્રતિબધ્ધતા જાણીતી છે પણ આપણે વાત કરીએ ભારતીય જનતા પક્ષના નેતા વાજપેયીની જ વાત કરીએ, જે પોતે એક શકિતશાળી નેતા હતા અને લોકશાહી મૂલ્યોનું સંવર્ધન કરતા હતા. ભારતીય જનતા પક્ષનો 42 મો સ્થાપના દિન એક રાજકીય બળ તરીકે ઉપસી આવ્યો છે અને તેને માટે ખાસ કરીને છેલ્લા દાયકાના તેના વિજયને યશ આપવો પડે. આ વિજય પાછળની નીતિરીતિ અને વાજપેયી-ભારતીય જનતા પક્ષની નીતિ જોજનો દૂર ગયેલી પૈસા અને બાહુબળના ઉપયોગ અને કાવાદાવા દેખાય છે. પ્રેમ અને યુધ્ધમાં અને હવે રાજકારણમાં પણ બધું વાજબી જ છે. પણ હજી હમણાં સુધી કંઇક ફેરફાર સાથેનો પક્ષ હોવાનું ગણાવી ગૌરવ લેનાર પક્ષ માટે આ કેમ કરીને બંધબેસતું થાય?
કબૂલ કે રાજકીય કે ચૂંટણીની સફળતાનો કોઇ સીધો માર્ગ નથી અને તમામ પક્ષોએ એક યા બીજા સમયે આવી નીતિઓ વાપરી જ છે અને તેને ચાણકય નીતિ ગણાવી છે. પણ લોકશાહીમાં જાતે નક્કી કરેલી મર્યાદાઓ છે જેને બંધારણ માન્યતા આપે છે. આવી મર્યાદાઓ ઓળંગાઇ છે કે નહીં? હજી સુધી જવાબ ના માં નથી આવ્યો. કેટલીક વાર ઇતિહાસ ચુકાદો આપે તેની રાહ જોયા વગર જાતે જ ચુકાદો આપવો જટિલ બને છે. વાજપેયી અડવાણીથી માંડીને મોદી-શાહ યુગ સુધી પરિવર્તનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શું ભૂમિકા રહી છે? એ તો જાણીતું રહસ્ય છે કે ભારતીય જનતા પક્ષ સંઘનો રાજકીય હાથ છે અને ભારતીય જનતા પક્ષ સ્વતંત્ર રીતે કામ કરતો હોવાનું માની શકાય નહીં. ભારતીય જનસંઘ અત્યારે જે ફાઇવ સ્ટાર સંસ્કૃતિમાં પ્રવેશ્યો છે તે સંઘપ્રેરિત છે કે સંઘને તે સ્વીકારી લેવાની ફરજ પડી છે? સંઘ જ આ વાત સમજાવી શકશે. બીજી વાત: ભારતીય જનતા પક્ષ ખાસ કરીને રોજી-રોટીના પ્રશ્ને લોકો માટે કેટલું વચનપાલન કરી શકયો છે? પક્ષ પોતાનો 42 મો સ્થાપના દિન ધામધૂમથી ઉજવે છે તે અલગ વાત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.