મરણોત્તર ભારતરત્ન મેળવનારા કર્પૂરી ઠાકુર જેવા રાજકારણીઓ ભારતમાં બહુ ઓછા થયા છે. રાજકારણમાં આટલી લાંબી સફર પછી જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમના પરિવારને વસિયતમાં આપવા માટે તેમનાં નામે ઘર પણ નહોતું. કરોડો રૂપિયાના કૌભાંડોમાં રોજેરોજ રાજકારણીઓનાં નામો સામે આવી રહ્યાં છે ત્યારે કર્પૂરી ઠાકુર જેવા નેતાઓનું પણ અસ્તિત્વ હતું તે માનવું મુશ્કેલ છે. બિહારમાં તેમની ઈમાનદારીની ઘણી વાતો આજે પણ સાંભળવા મળે છે. પ્રભાત પ્રકાશને કર્પૂરી ઠાકુર પર ‘મહાન કર્મયોગી જનનાયક કર્પૂરી ઠાકુર’નામનું પુસ્તક બે ભાગમાં પ્રકાશિત કર્યું છે.
તેમાં કર્પૂરી ઠાકુરના જીવનનાં ઘણાં રસપ્રદ સંસ્મરણો છે. જ્યારે કર્પૂરી ઠાકુર બિહારના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના સાળા તેમની પાસે નોકરી માટે ગયા હતા અને તેમને ભલામણ સાથે નોકરી અપાવવા માટે કહ્યું હતું. તેમની વાત સાંભળીને કર્પૂરી ઠાકુર ગંભીર થઈ ગયા હતા. તે પછી તેમણે ખિસ્સામાંથી પચાસ રૂપિયા કાઢીને તેમને આપ્યા અને કહ્યું કે ‘‘જાઓ, અસ્ત્રો ખરીદો અને વાળંદનો પૈતૃક વ્યવસાય શરૂ કરો.’’તે સમયની એક ઘટના છે કે જ્યારે કર્પૂરી ઠાકુર મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના ગામના કેટલાક શક્તિશાળી સામંતોએ તેમના પિતાને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમાચાર ફેલાતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ પગલાં લેવા ગામમાં પહોંચ્યા, પરંતુ કર્પૂરી ઠાકુરે જિલ્લા મેજિસ્ટ્રેટને પગલાં લેતાં અટકાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દરેક ગામમાં પછાત લોકોનું અપમાન થઈ રહ્યું છે. બીજું ઉદાહરણ એ છે કે જ્યારે કર્પૂરી ઠાકુર પહેલી વાર નાયબ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેઓ તેમના પુત્ર રામનાથને પત્ર લખવાનું ભૂલ્યા ન હતા. પત્રમાં માત્ર ત્રણ બાબતો લખવામાં આવી હતી : તમારે સત્તાથી પ્રભાવિત ન થવું જોઈએ, જો કોઈ તમને લલચાવે તો લોભમાં ન પડશો અને મારી બદનામી થાય તેવું કાંઈ ન કરશો. રામનાથ ઠાકુર આ દિવસોમાં રાજકારણમાં છે અને તેમને તેમના પિતાના નામનો લાભ મળે છે, પરંતુ કર્પૂરી ઠાકુરે તેમના જીવનમાં પોતાના પુત્રને રાજકીય રીતે આગળ વધારવાનું કામ કર્યું નથી.
ઉત્તર પ્રદેશના અગ્રણી નેતા હેમવતીનંદન બહુગુણાએ તેમનાં સંસ્મરણોમાં લખ્યું છે કે “‘કર્પૂરી ઠાકુરની આર્થિક હાલત જોઈને દેવીલાલે પટનામાં તેમના એક હરિયાણવી મિત્રને કહ્યું હતું જો કર્પૂરીજી ક્યારેય તમારી પાસે પાંચ-દસ હજાર રૂપિયા માંગે તો તેમને આપજો અને પછી મારી પાસેથી લઈ લેજો. પાછળથી દેવીલાલે તેમના મિત્રને ઘણી વાર પૂછ્યું હતું કે ‘‘ભાઈ, કર્પૂરીજીએ કંઈક માંગ્યું?’’દરેક વખતે મિત્રનો જવાબ હતો કે ‘‘ના સાહેબ, તેઓ કંઈ માંગતા નથી.’’
કર્પૂરી ઠાકુર ૧૯૭૧માં બિહારના મુખ્ય મંત્રી બન્યા હતા. ત્યાર બાદ ખેડૂતોને મોટી રાહત આપતાં તેમણે બિનલાભકારી જમીન પરનો મહેસૂલ વેરો બંધ કર્યો હતો. બિહારના તત્કાલીન મુખ્યમંત્રી સચિવાલયના બિલ્ડીંગમાં ચોથા વર્ગના કર્મચારીઓ માટે લિફ્ટ ઉપલબ્ધ ન હતી. મુખ્યમંત્રી બનતાંની સાથે જ તેમણે ખાતરી કરી કે ચોથા વર્ગના કર્મચારીઓ લિફ્ટનો ઉપયોગ કરી શકે. આજે ભલે આ એક નાનકડું પગલું લાગતું હોય, પરંતુ મતબેન્કના રાજકારણમાં તેનું ઘણું મહત્ત્વ હતું.
બિહારના ભૂતપૂર્વ એમએલસી પ્રેમ કુમાર મણિ કહે છે કે ‘“તે સમયે જો તેમને સમાજમાં ક્યાંય પણ આંતરજ્ઞાતિય લગ્નના સમાચાર મળે તો તેઓ તેમાં તરત પહોંચી જતા. તેઓ સમાજમાં એક પ્રકારનું પરિવર્તન ઇચ્છતા હતા. આજે બિહારમાં દબાયેલાં પછાત લોકોની સત્તામાં ભાગીદારી છે તેની ભૂમિકા કર્પૂરી ઠાકુરે બનાવી હતી. ૧૯૭૭માં મુખ્ય મંત્રી બન્યા બાદ રાજ્યમાં મુંગેરીલાલ કમિશન અને નોકરીમાં અનામતના અમલને કારણે તેઓ કાયમ માટે ઉચ્ચ જાતિના દુશ્મન બની ગયા હતા, પરંતુ સમાજના દલિત પછાત વર્ગના હિત માટે કામ કરતા રહ્યા હતા.’’
રામનાથ ઠાકુર તેમના પિતાની સાદગીનો એક પ્રસંગ કહે છે કે ‘“જનનાયક ૧૯૫૨માં ધારાસભ્ય બન્યા હતા. તેમને એક પ્રતિનિધિમંડળમાં સામેલ થવા માટે ઑસ્ટ્રિયા જવું પડ્યું હતું પણ તેમની પાસે કોટ નહોતો. તેમણે એક મિત્ર પાસેથી કોટ ઉધાર લેવો પડ્યો હતો. તે જૂનો કોટ પહેરીને તેઓ ઑસ્ટ્રિયા ગયા હતા. ત્યાંથી તેઓ યુગોસ્લાવિયા ગયા હતા. માર્શલ ટીટોએ જોયું કે તેમનો કોટ ફાટી ગયો છે ત્યારે તેમને નવો કોટ આપ્યો હતો.
પ્રેમ કુમાર મણિ કહે છે કે વાસ્તવમાં કર્પૂરી ઠાકુર સમાજવાદી રાજનીતિના મહાન નેતા રહ્યા છે. મુખ્ય મંત્રી તરીકે તેમણે રાજ્યના તમામ વિભાગોમાં હિન્દીમાં કામ કરવું ફરજિયાત બનાવ્યું હતું. બિહારમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સમાન પગારપંચ લાગુ કરનાર તેઓ પ્રથમ નેતા હતા. યુવાનોને રોજગારી આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા એટલી બધી હતી કે એક કેમ્પનું આયોજન કરીને તેમણે એક સાથે ૯,૦૦૦ થી વધુ એન્જિનિયરો અને ડોક્ટરોને નોકરીઓ આપી હતી. બિહારમાં આજદિન સુધી આટલા મોટા પાયા પર એન્જિનિયરો અને ડોક્ટરોને નોકરી આપવામાં આવી નથી.
રાજકારણમાં ગરીબોનો અવાજ બુલંદ કરવાના પ્રયાસોમાં રાતદિવસ વ્યસ્ત રહેતા કર્પૂરી ઠાકુરને સાહિત્ય, કલા અને સંસ્કૃતિમાં ઘણો રસ હતો. પ્રેમ કુમાર મણિ યાદ કરે છે કે “‘૧૯૮૦-૮૧ માં મેં અંગત રીતે કર્પૂરી ઠાકુરને પટનામાં કોંગ્રેસના એક સાંસદની પારિજાત પ્રકાશનની દુકાનમાં ધર્મશાસ્ત્રના ઇતિહાસનાં પુસ્તકોનો સેટ ખરીદતાં જોયા હતા. તે સમયે છ પુસ્તકના સેટની કિંમત સાડા ત્રણ હજાર રૂપિયા હતી. તેમને સાત્ત્વિક વાચનનો એટલો શોખ હતો.’’ એક વખત નાયબ મુખ્ય મંત્રી અને બે વખત મુખ્યમંત્રી હોવા છતાં કર્પૂરી ઠાકુર માત્ર રિક્ષામાં જ મુસાફરી કરતા હતા.
કર્પૂરી ઠાકુરના મૃત્યુ પછી હેમવંતીનંદન બહુગુણા તેમના ગામ ગયા હતા. કર્પુરી ઠાકુરની પૈતૃક ઝૂંપડી જોઈને હેમવંતીનંદન બહુગુણા રડી પડ્યા હતા. સ્વતંત્રતા સેનાની કર્પૂરી ઠાકુર ૧૯૫૨ થી સતત ધારાસભ્ય હતા, પરંતુ તેમણે પોતાના માટે ઘર પણ બનાવ્યું ન હતું. સિત્તેરના દાયકામાં બિહાર સરકાર પટનામાં ધારાસભ્યો અને ભૂતપૂર્વ ધારાસભ્યોનાં રહેઠાણો માટે સસ્તા દરે જમીન આપતી હતી. કર્પૂરી ઠાકુરની પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ કર્પૂરી ઠાકુરને કહ્યું કે તેમણે તેમના રહેઠાણ માટે જમીન લઈ લેવી જોઈએ. કર્પૂરી ઠાકુરે સ્પષ્ટ ના પાડી દીધી હતી.
તે સમયના એક ધારાસભ્યે પણ તેમને કહ્યું હતું કે જમીન લઈ લો, નહીં તો તમે નહીં હો તો તમારાં બાળકો ક્યાં રહેશે? કર્પૂરી ઠાકુરે કહ્યું કે તેઓ તેમના ગામમાં જ રહેશે. કર્પૂરી ઠાકુરની પાર્ટીના કેટલાક નેતાઓ તેમના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ જ્યારે કર્પૂરી ઠાકુરને તેમની પુત્રીનાં લગ્ન કરાવવાનાં હતાં ત્યારે તેમણે શું કર્યું? તેમણે આ મામલે એક ઉદાહરણ રજૂ કર્યું હતું. કર્પૂરી ઠાકુર ૧૯૭૦માં બિહારના મુખ્ય મંત્રી હતા. પુત્રીના વરને જોવા માટે રાંચીના એક ગામમાં જવાનું હતું. કર્પૂરી ઠાકુર ત્યાં સરકારી વાહનથી નહીં પણ ટેક્સીમાં ગયા હતા. આ લગ્ન સમસ્તીપુર જિલ્લામાં સ્થિત તેમના પૈતૃક ગામ પિતોંજિયામાં થયાં હતાં. કર્પૂરી ઠાકુર ઈચ્છતા હતા કે લગ્ન મંદિરમાં થાય, પરંતુ તેમની પત્નીના આગ્રહથી લગ્ન ગામમાં જ થયાં.
કર્પૂરી ઠાકુરે તેમના કેબિનેટના કોઈ સભ્યને પણ તે લગ્નમાં આમંત્રણ આપ્યું ન હતું. તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના પણ આપી દીધી હતી કે બિહાર સરકારનું કોઈ પણ વિમાન એ દિવસે મારી પરવાનગી વિના દરભંગા અથવા સહરસા એરપોર્ટ પર ઊતરશે નહીં. પિતોંજિયા પાસે તે બે એરપોર્ટ હતાં. આજના કેટલાક કહેવાતા સમાજવાદી નેતાઓ લગ્નને પણ કોન્ફરન્સમાં ફેરવે છે. ભ્રષ્ટ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ શાસક નેતાઓના લગ્ન પ્રસંગોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. કર્પૂરી ઠાકુરના સમયમાં પણ આવું બધું થતું હતું, પરંતુ કર્પૂરી ઠાકુર તેમાં અપવાદ હતા. કર્પૂરી ઠાકુરનું ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૮ના રોજ ૬૪ વર્ષની વયે અવસાન થયું હતું.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે