વાલિયાના ભરાડિયા ગામના જયેશ પટેલ મૂળ ખેડૂતપુત્ર અને અભ્યાસે ટેક્સટાઇલ એન્જિનિયર, પરંતુ ખેતી પ્રત્યેની રુચિ તેમને નર્સરી પ્રવૃત્તિ તરફ ખેંચી લાવી. જયેશ પટેલ છેલ્લાં ૧૪ વર્ષથી ભરાડીયા ગામે ૬૦ એકર જમીનમાં ખેતી અને નર્સરી પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેઓ જારવી નર્સરી અને જારવી સિડ્સ પ્રા.લિ. નામથી કંપની ચલાવે છે, જેમાં દેશભરના ૭ રાજ્યના ૧૫ હજારથી વધુ ખેડૂત ગ્રુપમાં સંકળાયેલા છે. જયેશભાઇનાં પત્ની હીનાબેન પતિને ઉત્સાહભેર સાથ સહકાર આપી રહ્યાં છે
નર્સરી પ્રવૃત્તિ થકી તેઓ આજુબાજુનાં ગામોના ૪૦૦થી પણ વધારે મહિલા અને પુરુષોને રોજીરોટી પૂરી પાડી રહ્યાં છે. જયેશભાઇ વેજિટેબલ ગ્રાફ્ટિંગ ટેક્નિક દ્વારા કોળાના રૂટ સ્ટોક ઉપર તરબૂચના રોપણ કરી તરબૂચના ગ્રાફ્ટેડ રોપાઓ પ્લગ ટ્રેમાં તૈયાર કરે છે. ખેડૂતોને પોતાની પસંદગીના બિયારણ મળી રહે એ માટે ટામેટાં, મરચી, રીંગણી, ફ્લાવર વગેરેનું ધરૂ પણ તૈયાર કરી આપે છે. તાજેતરમાં જ ભરૂચ કલેક્ટર ડો.એમ.ડી.મોડિયા, પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી, નાયબ બાગાયત નિયામક જે.એચ.પારેખે જારવી નર્સરીની મુલાકાત લઈ પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ અને તેમના પરિવારને બિરદાવ્યા હતા.