વડોદરા: શહેરના એલેમ્બિક રોડ પર આવેલી ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપતા 89 વર્ષના ડો. રોહિત ભટ્ટે આજના વેક્સિન અભિયાનમાં પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે 28 દિવસ બાદ બીજા ડોઝ માટે પણ હું ફીટ છું.
આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લેનાર ડો. રોહિત ભટ્ટે જણાવ્યું હતું કે, મારી તબીબી કારકિર્દીમાં કોરોનાની મહામારી તબીબો માટે પણ પડકારરૂપ સાબિત થઈ છે. કોરોના કાર્ડ દરમિયાન હોસ્પિટલમાં તમામ પ્રકારના ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા હતા.
તેમ છતાં મારા ગાયનેક વિભાગમાં એક મહિલાને સપ્ટેમ્બર માસમાં ડિલિવરી કરાવી હતી. મહિલા ડિલિવરી માટે આવી, ત્યારે એનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હતો. બાદમાં એનો ટેસ્ટ નેગેટીવ આવતા સીઝર કરીને ડિલિવરી કરવામાં આવી હતી. સદનસીબે ડિલિવરી બાદ મહિલા અને નવજાત બાળક કોરોના મુક્ત હતા.
કોરોના કાળ દરમિયાન મહિલાની સિઝર ડિલિવરી કરાવવી અમારા માટે પડકારરૂપ હતી. મહિલા કોરોના મુક્ત હોવા છતાં સાવચેતીના ભાગરૂપે PPE કીટ પહેરીને મહિલાની સીઝર ડિલિવરી કરવામાં આવી હતી.ગાયનેકોલોજીસ્ટ ડો. રોહિત ભટ્ટે લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે, કોરોના વેક્સિન લેવામાં કોઈ વાંધો નથી.
દરેકે લેવી જોઈએ. આજે મે પ્રથમ ડોઝ લીધો છે. 28 દિવસ પછી લેવામાં આવનાર બીજા ડોઝ માટે પણ હું ફીટ છું. ગોત્રી હોસ્પિટલના વયોવૃદ્ધ ડોકટર અતુલ જાનીએ પણ કોરોનાની રસી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં 100 હેલ્થ કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જેમાં ડો. નિરવ શાહ, હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ રવિભાઈ હીરવાણી સહિતના તબીબો અને હેલ્થ કર્મચારીઓએ વેક્સિન લીધી હતી.
આ ઉપરાંત વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલ પ્રાણાયમ હોસ્પિટલમાં પણ વેક્સિનનો પ્રથમ ડોઝ હેલ્થ કર્મચારીઓને આપવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલના ચેસ્ટ ફિઝિશિયન ડો. અર્પણ શાહ, મેડિકલ ઓફિસર ડો. રોહિત ગુપ્તા, ડો. હરીશ ચૌધરી, નર્સિંગ ઇન ચીફ અંકિતા પટેલ સહિત હેલ્થ કર્મચારીઓએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ડો. અર્પણ શાહે જણાવ્યું હતું કે, કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેક વ્યક્તિ એ વેક્સિન લેવી જરૂરી છે.