SURAT

ભગવાન મહાવીર કોલેજની બહાર અને સણિયા હેમાદ ગામમાં પાણી ભરાયા, વરાછામાં ઝાડ પડ્યું

સુરત: સુરતમાં છેલ્લાં ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાઈ રહ્યાં છે. મીઠી ખાડી ભયજનક સપાટી વહી રહી છે. સણિયા હેમાદ ગામમાં પાણી ભરાઈ ગયા છે. ગામનું મંદિર પાણીમાં ડુબ્યું છે. તો બીજી તરફ વેસુ વીઆઈપી રોડ પર ભગવાન મહાવીર કોલેજની બહાર પણ પાણી ભરાઈ ગયા છે. આ તરફ વરાછામાં અર્ચના સ્કૂલની નજીક મોટું ઝાડ પડી ગયું હતું.

સુરતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીમાં પાણી વધ્યું છે. ખાડી ભયજનક સપાટીએ વહી રહી છે. વધારે વરસાદ પડે તો સ્થિતિ બગડી શકે તેમ છે. વધારે વરસાદ કે ઉપરવાસમાંથી પાણી વધુ આવે તો ખાડી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે તેમ હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત જિલ્લામાં ભારે વરસાદને લીધે ખાડીના જળસ્તરમાં વધારો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી પ્રવેશવા લાગ્યા છે. શહેરના છેડે આવેલા સણિયા હેમાદ ગામમાં પાણી ભરાઈ ગયા છે. ગામનું મંદિર પાણીમાં ડુબી ચૂક્યું છે. એક છેડેથી બીજા છેડે જવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગામમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. ગામ લોકોએ આ મામલે સુરત મનપાને અનેકોવાર રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ આવી રહ્યો નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ગેરકાયદે બાંધકામના લીધે પાણી જવાનો માર્ગ સાંકડો થઈ ગયો છે, તેના લીધે સણિયા હેમાદ ગામમાં પાણી ભરાઈ રહ્યાં છે.

દરમિયાન રાત્રિ દરમિયાન સારો વરસાદ પડતાં વેસુ વીઆઈપી રોડ પર આવેલા ભગવાન મહાવીર કોલેજની બહારના માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે કોલેજિયનો હેરાન થયા હતા. આ તરફ વરાછામાં અર્ચના સ્કૂલ પાસે આવાસમાં આવેલું ઘટાદાર ઝાડ ધરાશાયી થયું હતું. સદ્દનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી. જમીન પોલી થતાં વૃક્ષ પડી ગયું હતું. આ ઘટના વહેલી સવારે બની હતી, ત્યારે રસ્તા પર કોઈ અવરજવર નહીં હોય મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોએ જાણ કરતા ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઈ ઝાડ હટાવવાની કામગીરી કરી હતી.

Most Popular

To Top