આણંદ : આણંદ જિલ્લાના ભાદરણ ગામનો વતની અને અમેરીકા સ્થાયી થયેલો યુવક બુધવારની રાત્રે સ્ટોર બંધ કરી ઘરે જતો હતો તે દરમિયાન કેટલાક અશ્વેતો આવ્યા હતા અને તેઓએ યુવકને મારમારી સ્ટોરરૂમમાં પુરી દીધો હતો. બાદમાં લૂંટ ચલાવી નાસી ગયાં હતાં. જોકે, મારના કારણે ઘવાયેલા યુવકને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આમ, વિદેશ સ્થાયી થયેલા ચરોતરના વધુ એક યુવકની હત્યાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આણંદના બોરસદ તાલુકાના ભાદરણ ખાતે રહેતો કિંશુક પટેલ 2012માં અમેરિકાના ન્યુયોર્કમાં સ્થાયી થયો હતો. ન્યુયોર્ક સિટીમાં સ્ટોર ધરાવતા કિંશુક પટેલ રાત્રીના સમયે સ્ટોર બંધ કરી ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. તે સમયે કેટલાક અશ્વેત યુવાનો આવ્યા અને વસ્તુની માગણી કરી હતી.
જોકે, કિંશુક પટેલે સ્ટોર બંધ થઈ ગયાનું કહેતા અશ્વેતો ઉશ્કેરાઇ ગયા હતા અને હુમલો કરી કિંશુક પટેલને ગંભીર ઇજા પહોંચાડી હતી.
બાદમાં તેને સ્ટોરમાં જ બંધ કરી લૂંટ ચલાવી નાંસી ગયાં હતાં. બીજી તરફ કલાકો સુધી કિંશુક પટેલ ઘરે ન આવતા તેના પરિવારજનો ચિંતિત બન્યાં હતાં અને સ્ટોર રૂમમાં તપાસ કરતાં કિંશુક ઘવાયેલો મળ્યો હતો. જોકે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડે તે પહેલા જ તેનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે સ્થાનીક પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી હત્યા કરનારા અશ્વેતોને પકડવા ચક્રોગતિમાન કર્યાં છે. આ કરૂણ ઘટનાના સમાચાર ભાદરણ અને ધર્મજ ગામે પહોંચતા મૃતક કિંશુક પટેલના સગાવ્હાલા અને મિત્રોને મળતા અરેરાટી સાથે શોક પ્રસરી ગયો હતો.
અશ્વેતો મોબાઇલ પણ લૂંટી ગયાં હોવાથી પરિવારજનો સંપર્ક વિહોણા બન્યાં
હુમલાખોર અશ્વેતો કિંશુક પટેલ પાસેનો મોબાઇલ પણ લૂંટી ગયા ગયાં હતાં. જેને કારણે તે ઘરે સંપર્ક પણ કરી શક્યો નહોતો. કિંશુક સમયસર ઘરે ન આવતા તેના પિતાએ મામાનો સંપર્ક કરતા મામા અને માસીનો દીકરો બન્ને સ્ટોર ઉપર જોવા ગયા હતાં. જ્યાં કિંશુક પટેલ સ્ટોર રૂમમાં અસહ્ય પીડાથી કણસતો હતો. ગંભીર ઈજાને લઈ ખૂબ લોહી વહી ગયું હતું. આથી, તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો. જોકે, માર્ગમાં જ તેનું મૃત્યું નિપજ્યું હતું.
નવ વર્ષના ગાળામાં ત્રણ સ્ટોર ઉભા કર્યાં હતાં
ભાદરણનો કિંશુક પટેલ 25 વર્ષની ઉંમરે અમેરિકા પહોંચ્યો હતો. સૂઝબૂઝ અને વ્યવસાયિક સાહસિકતાને પરિણામે 9 વર્ષના ટૂંકા ગાળામાં તેણે પરિવાર સાથે મળી ત્રણ સ્ટોર ઉભા કર્યા છે. આ ઉપરાંત 2015 માં ધર્મજની રુચિતા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન જીવન દરમ્યાન તેઓને બે દીકરા છે. જેમાં એકની ઉંમર 4 વર્ષ છે. જ્યારે બીજો દીકરો માત્ર 6 મહિના છે.