Charchapatra

નકલી એપ્સ અને સાયબર ફ્રોડથી સાવધાન

વર્તમાન સમયમાં, ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. UPIથી લઈને ઓનલાઇન શોપિંગ સુધી, દરેક કાર્ય માટે આપણે સ્માર્ટફોન અને વિવિધ એપ્સનો ઉપયોગ કરીએ છીએ. જોકે, આ સુવિધાની સાથે સાયબર ફ્રોડ અને છેતરપિંડીનું જોખમ પણ વધ્યું છે. એક કોમર્સના અધ્યાપક તરીકે, મારું માનવું છે કે નાણાકીય સાક્ષરતાની સાથે હવે સાયબર સાવધાની પણ ખૂબ જ જરૂરી બની છે. હેકર્સ પ્રખ્યાત બેંક, ફાઇનાન્સિયલ સર્વિસ, કે શોપિંગ એપ્સ જેવી જ નકલી એપ્સ બનાવે છે. આ એપ્સ ડાઉનલોડ કરતાં જ તે આપણા ફોનનો ડેટા ચોરી લે છે.

આ ઉપરાંત, અજાણ્યા નંબર પરથી આવતી લિંક્સ પર ક્લિક કરવાથી પણ આપણો મોબાઈલ હેક થઈ શકે છે. આવા ફ્રોડથી બચવા માટે, હંમેશા Google Play Store કે Apple App Store જેવા સત્તાવાર પ્લેટફોર્મ પરથી જ એપ્સ ડાઉનલોડ કરો. કોઈ પણ નવી એપ ડાઉનલોડ કરતાં પહેલા તેના રિવ્યૂ અને રેટિંગ જરૂર તપાસો. ઓનલાઇન ખરીદી કે બેન્કિંગ કરતી વખતે વેબસાઇટનું URL હંમેશા ‘https’ થી શરૂ થવું જોઈએ. યાદ રાખો, તમારી બેંક કે કોઈપણ સત્તાવાર સંસ્થા ક્યારેય તમને ફોન કરીને તમારો OTP, PIN કે પાસવર્ડ માંગતી નથી. આજે, ડિજિટલ વર્લ્ડમાં સુરક્ષિત રહેવું એ આપણી પોતાની જવાબદારી છે. આપણે સૌએ જાગૃત થઈને આવી છેતરપિંડીથી બચવું જોઈએ.
માંડવી, સુરત –  પ્રો. ડો.ઉદય જે. લાખાણી પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top