Comments

ચીનની દાદાગીરી સામે સાવધાન!

તા. 28મી જાન્યુઆરીએ અમેરિકાની અલાસ્કાની હવાઇ સીમા પર એક મોટું સફેદ બલૂન ઘૂસી આવ્યું ત્યારે બહુ થોડાને ધારણા હતી કે તેનાથી આંતરરાષ્ટ્રીય કટોકટી ઊભી થશે. પરંતુ અમેરિકા અને ચીન બંને નિરુપદ્રવી છતાન પ્રપંચી જાસૂસીના યુદ્ધ તરીકે નવો યુગ શરૂ થવાની ભીતિ વચ્ચે એક નવી લડાઇમાં પ્રવૃત્ત થઇ ગયા છે. સેન્સર અને અત્યંત શકિતશાળી કેમેરા જોડેલા હોવાનો સંભવ ધરાવતુ આ બલૂન અમેરિકાના અત્યંત સંવેદનશીલ લશ્કરી મથકો નજીકથી પસાર થયું હોવાનું જણાતું હતું અને તેને કારણે એક રાજકીય તોફાન શરૂ થયું. આને પગલે અમેરિકાના પ્રમુખ જો બાઇડનને જેટ વિમાનથી આ બલૂન તોડી પાડવાની ફરજ પડી. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીનની એક અત્યંત અપેક્ષિત મુલાકાત રદ કરી નાંખી.

અમેરિકી અધિકારીઓ કહે છે કે તોડી પડાયેલું ચીની બલૂન ખરેખર જાસૂસી માટે બનાવાયું હતું. તે 58000 ફૂટની ઊંચાઇએથી પસાર થતું હતું. આવા કેટલાક બલૂનોમાં અત્યંત દ્રશ્ય સંવેદનશીલતા ધરાવતા ડિજિટલ કેમેરા મૂકયા હોય છે જે અત્યંત સચોટ તસ્વીરો લઇ શકે છે. આવા બલૂનો સાથે રેડિયો સિગ્નલ અને ઉપગ્રહ પ્રસારણ ક્ષમતા ધરાવતા અદ્યતન સાધનો પણ જોડેલા હોય છે. ચીને તેનો અલબત્ત આક્રમક જવાબ આપી કહ્યું કે આ મુલ્કી બલૂન છે જેનો મુખ્ય ઉપયોગ હવામાન સંશોધન માટે થાય છે. તેને ઉડાવી દેવાયું હતું કારણ કે તેનામાં જાતે દિશા નક્કી કરવાની ક્ષમતા મર્યાદિત હતી.

આમ છતાં અમેરિકાએ કહ્યું હતું કે તેનામાં દિશા પકડવાની ક્ષમતા આપે તેવા પ્રોપેલરો પણ હતા અને તે જુદી જુદી દિશામાં પવન પકડવા માટે ઊંચાઇ વધઘટ કરી શકતું હતું. વળી આ બલૂન મોન્ટાનામા માય સ્ટ્રોમ એરફોર્સ બેઝ અને કેટલાક મિસાઇલ મથકો સહિત દેશના અનેક સંવેદનશીલ લશ્કરી સ્થળો પરથી પસાર થયું છે. આ જાસૂસી બલૂન જ હતું. આથી અમેરિકાએ બલૂન જયાંથી ચીની ઉપગ્રહને પહોંચાડાતી હોઇ શકે તે ચકાસવા માટે પોતાનું યુ-2 વિમાન વાપર્યું અને બલૂનને ગુપ્ત માહિતી એકત્ર કરતું રોકવા પગલા ભર્યા. બીજુ બલૂન મધ્ય અને દક્ષિણ અમેરિકામાં દેખાયું હતું. ત્રીજું બલૂન જાહેર નહીન કરાયેલા સ્થળે કામ કરતું હોવાનું કહેવાય છે. એક સાથે અનેક બલૂનો ઉડાડાયા હોય અને તેમાંના એકે અમેરિકાનો રસ્તો પકડયો હોય તે આ જાસૂસી બલૂન હોવાની વાતને વજન આપે છે. આખી દુનિયામાં હવામાનના સંશોધન માટે સેંકડો બલૂનો ઉડતા હોય છે.

હવે ભારતમાં 2020 અને 2021માં અને તાઇવાનમાં અને ભારતમાં પણ બલૂનો દેખાયા હોવાના હેવાલો બહાર આવ્યા છે. 2019માં ચીને તિબેટમાં ભારતીય સરહદે બલૂન મારફતે રાડાર મોકલ્યા હતા. પણ ચીન બલૂન જાસૂસી બલૂનો હોય તો ભારત પાસે એરોસ્ટેટ બલૂનો છે. આ બલૂનો 15000 ફૂટની મર્યાદામાં ઉડે છે. હિલીયમ ભરેલા આપણા બલૂનોની સરખામણીમાં ચીની બલૂનો લગભગ 60000 ફૂટની ઊંચાઇએ ઊડી શકે છે. ભારતના એરોસ્ટેટ બલૂનમાં 100થી 600 કિલો મીટરના વ્યાપમાં બલૂનોની ચડાણ ઉતરાણની અને વ્યાપક પણે લશ્કરી હિલચાલની માહિતી લેવાની ક્ષમતા છે. જો કે તેનો આધાર હવામાન પણ છે.

ઇન્ડિયન એર ફોર્સને વધુ એરોસ્ટેટ ખરીદવા હતા પણ પછી તેણે વિચાર પડતો મૂકયો. એરોસ્ટેટનો ઘણો આધાર હવામાન છે. હવામાન ખરાબ હોય તો તેને ઉતારી લેવું પડેઅ ને વાદળ કે ધુમ્મસ હોય તો રાડાર બરાબર કામ નથી કરી શકતા. સતત જાસૂસી કરવાની સમસ્યાનો જવાબ એવોકસ વિમાન છે જે હવામાં રહીને આગોતરી ચેતવણી આપી શકે છે. ચીન પાસે ઉપગ્રહો છે તો બલૂન કેમ વાપરે છે? નિષ્ણાતો કહે છે કે ચીનના બલૂનો તાજેતરના વર્ષોમાં અમેરિકા અને યુરોપમાં દેખાયા હતા. પૃથ્વીના વાતાવરણમાં કામ કરતા બલૂનો વિમાનો ઉપગ્રહો કરતા વધુ સચોટતાથી કામ કરી સારી તસ્વીરો લઇ શકે છે.

જાસૂસી અને યુધ્ધમાં પણ બલૂન વપરાતા આવ્યા છે. લશ્કરી સંમેત આપવા માટે કેટલાક વર્ષો પહેલા તે વપરાતા હોવાનો ખ્યાલ છે. ઇ.સ. 1794માં ફલુરસની લડાઇમાં ફ્રાંસે બલૂન વાપર્યું હતું. હવે આપણી પાસે જાસૂસી અને વીજળી સંચાલિત બલૂનો છે એટલે હવે સસ્તા અને સંચાલકો વિનાના બલૂનોનું શું કામ છે એમ નિષ્ણાતો પૂછે છે. ચીને ખાસ કરીને પોતાને જેની સાથે બનતુન નથી તેવા દેશો પર રોફ જમાવવા આ પગલુ ભર્યું લાગે છે. દક્ષિણ ચીનના સમુદ્રમાન ચીને સુરક્ષા જહાજોના પીઠબળ સાથે મછવાઓનો ઉપયોગ કર્યો હતો તેના જેવી આ ઘટના છે. ચીનની દાદાગીરી સામે આપણે સાવધ રહેવાનું છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top