ગુજરાત રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક અભિયાન શરૂ કર્યું છે. પોલીસ મહાનિરીક્ષકના આદેશ મુજબ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત તમામ શહેરો અને જિલ્લાઓમાં 25 ફેબ્રુઆરી 2026થી એ શરૂ થઈ ગયું છે અને તે 10 માર્ચ 2026 સુધી 15 દિવસીય ખાસ ડ્રાઇવ હાથ ધરાશે. પોલીસના જણાવ્યા મુજબ, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ખાસ કરીને મોટર વાહન અધિનિયમના નિયમોના ભંગને કારણે થતા અકસ્માતોને અટકાવવા અને ટ્રાફિક શિસ્ત કડક બનાવવાના હેતુથી આ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

આ 8 મુદ્દાઓ પર રહેશે ખાસ નજર
ડ્રાઇવ દરમિયાન નીચેના ટ્રાફિક ઉલ્લંઘનો સામે સખત કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવશે:
- ડ્રંક એન્ડ ડ્રાઇવ – નશાની હાલતમાં વાહન ચલાવનારા સામે કડક પગલાં.
- હેલ્મેટ વિના ડ્રાઇવિંગ – ટુ-વ્હીલર ચાલકો દ્વારા હેલ્મેટ ન પહેરવા બદલ કાર્યવાહી.
- રોંગ સાઇડ ડ્રાઇવિંગ – ખોટી દિશામાં વાહન હાંકનારાઓ સામે દંડ.
- નંબર પ્લેટ વગરના વાહનો – નિયમ વિરુદ્ધ નંબર પ્લેટનો ઉપયોગ.
- અતિ કાળા કાચ – મર્યાદા કરતાં વધુ કાળા કાચ ધરાવતા વાહનો.
- ગેરકાયદે LED લાઇટો – વાહનમાં નિયમ વિરુદ્ધ સફેદ LED લાઇટ લગાવવી.
- મર્યાદા કરતાં વધુ મુસાફરો – પરમિટ કરતાં વધુ પેસેન્જરો ભરવા બદલ કાર્યવાહી.
- ગેરકાયદે પાર્કિંગ – જાહેર રસ્તાઓ અને ધોરીમાર્ગો પર અનધિકૃત પાર્કિંગ.
પોલીસ અધિકારીઓને દરરોજની કામગીરીનો અહેવાલ તૈયાર કરી 12 માર્ચ 2026 સુધી ઈ-મેઇલ મારફતે મોકલવાની સૂચના આપવામાં આવી છે. વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે અને રાજ્યમાં સુરક્ષિત માર્ગવ્યવહાર જળવાઈ રહે તે માટે સહકાર આપે.