Columns

ખબરદાર જો કોઈ કોરોનાનો ક બોલ્યું છે તો..!

મરણ પામેલ માણસની બારમાં-તેરમાં-માસિયું ને વરસીની વિધિ પતી જાય, અને પરિવાર નિરાંત અનુભવે, એમ કોરોનાના ડરામણા કાળમાંથી ધીરે-ધીરે  બધાં બહાર આવવા માંડ્યા. પણ અમુકનો હાઉઉઉઉ હજી ગયો નથી.  લોકજીવનમાં આડેધડ રોળા નાંખ્યા હોય, એને રાતોરાત થોડું ભૂલાય..? જેને કારણે જેનું બ્લડ-પ્રેસર ઊંચું-નીચું કરી નાખેલું, એ કોરોના તો હજી લોકોના દાઢમાં હશે. આ તો પેલાં જેવું છે, છૂટાછેડા આપી દીધા પછી કયો વનેચર એની વાઈફને ડાર્લિંગ કહીને બોલાવે..? સાત જનમ સાથે રહેવાના સોગંદ ખાધા હોય તો પણ, મનમાંથી સટાક દઈને ઉતરીજાય. શ્રીશ્રી ભગાએ તો બારાખડીના ‘ચાર્ટ્સ’ માંથી મૂળાક્ષરનો ક જ કાઢી નાંખેલો.  કાકીનું નામ કમળા બદલીને વિમળા કરી નાંખેલું. કરીના કપૂર, કાજોલ, કુમકુમ, વગેરેમાં ક આવે એટલે એમની ફિલ્મ પણ નહિ જુએ. પોતાના ઘરની બાજુમાં કાનજી ફળિયું આવેલું છે. પણ કાનજીમાં ક આવેલો હોવાથી, એ દિશામાં અરીસો મુકીને દાઢી કરવા પણ નહિ બેસે..! અંધ-શ્રદ્ધા જ એવી કે, કોરોનાનો ક લખવો એટલે પોતાના હાથે પોતાની કાળ-પત્રિકા લખવા બરાબર..! એ તો ભલું થયું કે,  કોરોનાનું જોર થોડું ઓછું થયું, છતાં એનો ’હાઉઉઉ’ ફફડાવે તો ખરો. 

પોલીયાના ટીપાંવ પાવાવાળાને પણ પૂછે કે, ‘કોરોના’ નો ડોઝ આપવા તો નથી આવ્યા ને..?  બંદાએ ઘરની દીવાલ ઉપર લખી નાંખ્યું છે કે, ‘ખબરદાર કોઈ કોરોનાનો ક પણ બોલ્યું છે તો..!’  દીવાલ ઉપર લખે જ ને યાર..? કોરોનાની ભયાનકતા યાદ આવે એટલે આંખો ભીની થવા માંડે. ગળું ‘ખીચ-ખીચ’ થવા માંડે. પગના ટેટાં તો એવાં ફાટે કે, ફાટેલા જમાદારના ડંડા ખાયને ધરાય ગયા હોય એમ, ટેટા આપોઆપ ટાઈટ થવા માંડે. છીંક આવે તો પણ ગભરાટ થાય કે, નાકડું છીંકે છે કે, સળેખમના ગળફા કાઢે છે..? કોરોના બોલતાં જીભ એવી ‘વાઈબ્રેટ’ થવા માંડે કે, કોરોનાને બદલે ‘રોકોના’ જ બોલી જવાય..!  શરીર ભલે ૧૭૦ રતલનું હોય, પણ પોતે તો સંપૂર્ણ ડરપોક..! દેખાવે ભલે મુલાયમ યાદવ જેવો લાગે, પણ મુદ્વલે સાવ  મુલાયમ પાપડ જેવો..!

સુતેલા સાપની પણ પૂજા કરવાની હિમત નહિ ચાલે. જલ્લાદની છોકરી સાથે લફરું થઇ ગયું હોય એમ, કોરોનાનો ક બોલતાં પગ-કંપન કરવા માંડે. દુધનો દાઝેલો છાસ ફૂંકીને પીએ એમ, કોઈ નિંદ્રાધીન માનુસ નસકોરા બોલાવતો હોય તો પણ, મોંઢે માસ્ક બાંધીને અવળી દિશામાં સુઈ જાય. રખે ને નસકોરામાંથી કોરોના પ્રગટ થયો તો..? આપણે કહીએ કે, કાકા કોરોના હવે હળવો થયો., તો કહે ‘તારે મને કહેવો હોય તો ભાભો કહે, ધંતુરો કહે, આલ્યો કે માલ્યો કહે, મને કાકા નહિ કહે, જેમ હોરોનામાં ક  આવે, એમ કાકામાં પણ ક આવે..! જેમ કણ-કણમાં ભગવાન હોય, એમ કાકાના લોહીના કણ-કણમાં ક માટે નફરત આવી ગયેલી. શું સાલા કોરોનાએ ધાક બેસાડી દીધેલો..? ઊંઘ કરતાં એને કોરોનાના સ્વપ્ના વધારે આવતાં..! અડધી રાતે પણ બધાને ઉઠાડે કે, ‘જુઓ ચાઈનાવાળાએ ભારતમાં ઘૂસીને કોરોનાના વાયરસ નાંખ્યા..! નોકરીએ જાય તો, ટીફીન લેવાનું ભૂલી જાય, પણ મુખ-લંગોટ(માસ્ક) લેવાનું એ આજે પણ ભૂલતાનથી.

કોરોનાએ વિશ્વભરનાઓને અહેસાસ તો કરાવી દીધો કે, “જિંદગી અકળ અને મુલ્યવાન છે. એને હસીને ગુજારો, પાણીના મોલે નહિ કાઢો..! “ માત્ર પૈસા પાછળ આંધળી દોટ નહિ રખાય ભક્તિ અને ભગવાનના હવાલે પણ થોડું રહેવાનું. જંગલના સિંહ પણ જાણતા થઇ ગયાં કે, સિંહણ કરતાં પણ ‘કોરોના’ ડેન્જર છે. છતાં માણસ જો સખણો રહે તો માણસ નહિ. ઘરનું ખાવા કરતાં ચોક્કસ જગ્યાએ પોલીસના ડંડા ખાધા વિના એને ઓડકાર જ નહિ આવે, એ હાલત થઇ ગયેલી.  જે પતિ-પત્ની રેશનકાર્ડમાં જ શ્વસતા હતાં, એને કોરોનાએ ‘લોકડાઉન’ માં એકબીજાને ઓળખતા કરી દીધાં. પહેલી લહેરમાં પતિદેવો પોતાં મારતા શીખી ગયા, બીજી લહેરમાં વાસણ માંજતા ને હવે ત્રીજી લહેરમાં રસોઈ કરતા પણ શીખી જવાના..! ચોથી લહેર નહિ આવે તો હરીકૃપા, જો આવી તો પતિદેવોની હાલત કફોડી થવાની એ નક્કી..! છોકરાઓ સુતા હોય ત્યારે બાપા નોકરીએ જાય, ને ઊંઘતા હોય ત્યારે ઘરમાં આવે, એવા દીકરાઓને તો લોકડાઉનમાં ખબર પડેલી કે, અમારે એક ‘ફાધર’ પણ છે..!

આવું બધું યાદ આવે ત્યારે આપોઆપ બોલી જવાય કે, ‘ ખબરદાર જો કોઈ કોરોનાનો ક બોલ્યું  છે તો..? વાયરસ એ વાયરસ છે. પ્રેમરસ જેવો એ મધુરો નથી. પ્રેમરસ તો ઢીંચી-ઢીંચીને પીવો હોય એટલો પીવાય, કોરોનાનું તો ચરણામૃત પણ નહિ લેવાય. લેવા જઈએ તો પહેલું ફેફસું પકડે, પછી ગળું પકડે..! જેમ ઘરે ઉતરેલો મહેમાન આપણું જ ખાય ને પાડોશમાં જઈને હળી કરી આવે એમ, વાયરસ ફેફસામાંથી નીકળીને પછી પાડોશમાં હ્રદયને હળી કરવા જાય. પછી બંને ભેગાં થઈને હુમલો કરે. કોરોનામાં તો  હાથ જ ધોવાના,  પણ હૃદયનું છટક્યું તો જિંદગીથી હાથ ધોવાના આવે..! માણસ ગભરાય જાય યાર..? લોક-ડાઉનનું તોડ-ફોડ કરનારાને પકડવા પોલીસ પણ કેટલી કસરત કરે..?  લોક જ એટલું ફાટેલું કે, ‘Mask’ (મુખ-લંગોટ) પહેરવાની આવે ને કાનમાં મસા ઉભરે..!  કકડતી ટાઇઢમાં દશ-બાર આઈસ્ક્રીમ ઠોકી નાંખે, પણ મફતની  વેક્સીન લેવા કહીએ તો ડાયેરિયા થઇ જાય..! મસ્ત મઝાની જિંદગી મળી છે તો, વાજતે-ગાજતે કિલ્લોલ કરતા જાવ યાર..? ન જાણ્યું જાનકી નાથે હવે પછી શું થવાનું છે…? કોરોનાના વિકરાળ કાળમાં પણ હસવાના બનાવ તો બનેલા. શ્રીશ્રી ભગો વેક્સીન મુકાવીને ઘરે આવ્યો તો એને ઝાંખું દેખાવા લાગ્યું, તરત વેક્સીન સેન્ટર પર ફોન કર્યો. તો સામેથી કહ્યું કે, તમે તાત્કાલિક સેન્ટર ઉપર આવી જાઓ. તમને વેક્સીન આપ્યા પછી, વેક્સીન મુકનાર  સિસ્ટરને પણ ઝાંખું દેખાય છે, તમારા બંને વચ્ચે નક્કી કોઈ સંક્રમણ થયું છે..! વેક્સીન સેન્ટર ઉપર ગયા પછી ફટાકો ફૂટ્યો કે, શ્રીશ્રી ભગો, પોતાના ચશ્મા પહેરવાને બદલે, નર્સના ચશ્માં પહેરીને આવેલો.  નર્સને પણ ઝાંખું દેખાયુ  ને શ્રીશ્રી ભગાને પણ ઝાંખું દેખાયેલું..!                                                     

ડાકણ-પિશાચ-ભૂત-પલિત કે નેતા શુદ્ધાંના સ્વપ્ના સહન થાય, પણ કોરોના જો સ્વપ્નમાં પણ આવે તો, આખી બોડી બ્રેક-ડાઉન થઇ જાય..! ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા’ ની માફક, કોરોનાએ દેશ અને દુનિયાને લપેટમાં લઈને હાહાકાર મચાવી દીધો છે દાદૂ..! વિશ્વ-બૂમ પડાવી દીધી. ત્યાં સુધી કે, વાઈફના નાકમાંથી નસકોરાં બોલતાં હોય તો પણ ‘ડાઉટ’ જાય કે, ક્યાંક નાકના વાટે તો, વાઈફમાં કોરોના ઘૂસતો નથી ને..?  બ્યુગલ ફૂંકી-ફૂંકીને લોકો કહેતાં હતા કે, પોઝીટીવ બનો, ત્યારે કોરોના હવે એવું કહે છે કે  નેગેટીવ બનો..! હવે ડર એ વાતનો  છે કે, વારંવાર ગરમ પાણી ને કાઢો પીવાથી  આંતરડા તવાઈને ટૂંકા તો નહિ થાય ને..?  હાથને  ધોવામાં ભાગ્યની રેખા ધોવાય તો નહિ જાય ને..?  પણ, સારું થયું કે, કોરોના હવે હળવો થયો. કરુણાનિધાન કૃષ્ણ કનૈયાની કૂણી કૃપા થઇ..! 
ઓહોહોહો..! આટલા બધા ક..?
ખબરદાર જો કોઈ કોરોનાનો ક…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top