Comments

જવાબદાર માનવી અને નાગરિક તરીકે સાવધ રહો

ન્યાયમૂર્તિ પી. બી. સાવંત અને ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુ અનુક્રમે ૧૯૯૫થી ૨૦૦૧ અને ૨૦૧૧થી ૨૦૧૪નાં વર્ષોમાં પ્રેસ કૌંસિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હતા. આ બેનો ઉલ્લેખ એટલા માટે કરવો જોઈએ કે તેમણે દેશમાં મિડિયાનાં નીચે જતાં નૈતિક ધોરણો અને ઘટતી વિશ્વાસાર્હતા વિષે દેશનું ધ્યાન દોર્યું હતું અને ઉપાય સૂચવ્યો હતો કે પ્રેસ કાઉન્સિલ કે એના જેવી કોઈ બૉડી હોવી જોઈએ જે મિડિયાનું નિયમન કરે.

દોષી મિડિયાની માત્ર નિંદા કરવાથી કામ નહીં ચાલે, તેને સજા પણ થવી જોઈએ. ન્યાયમૂર્તિ સાવંતના સમયમાં હજુ ચોવીસ કલાકની ન્યુઝ ચેનલો નહોતી આવી અને ન્યાયમૂર્તિ કાત્જુના સમયમાં ચોવીસ કલાકની ટી.વી. ન્યુઝ ચેનલોએ તેની તાકાતનો પરિચય કરાવી દીધો હતો, નૈતિકતાનાં કથળતાં ધોરણોનો પણ પરિચય કરાવી દીધો હતો, પણ હજુ નીચતાનો પરિચય થવાનો બાકી હતો. એ સમયે અખબારો અને ટી.વી. ચેનલોનાં માલિકોએ અને કેટલાંક પત્રકારોએ દલીલ કરી હતી કે આને માટે શાસન નહીં, અનુશાસન હોવું જોઈએ. દોષીને દંડવાનો અધિકાર જો સરકારને આપવામાં આવશે તો પત્રકાર તેનું સ્વાતંત્ર્ય ગુમાવશે, જે લોકતંત્રનો ચોથો મહત્ત્વનો સ્તંભ છે.

પત્રકારત્વ અનુશાસિત હોય એ માટે પ્રયત્નો કરવામાં આવશે. રાજદીપ સરદેસાઈ અને બીજાઓ આવી દલીલ કરવામાં મોખરે હતા, જેમાંથી કેટલાક ગોદમાં બેસીને શાસકોની ખિદમત કરે છે અને બીજા કેટલાક અત્યારે બોલવાની પણ હિંમત ધરાવતા નથી. આનું પરિણામ એ આવ્યું કે પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક, મિડિયાએ તેની આબરૂ ગુમાવી દીધી છે. ભક્ત પણ જાણે છે કે આ ખોટું છે, પણ મને ગમે છે એટલે મને ગ્રાહ્ય છે. આવા જૂઠને ગ્રહણ કરવા માગનારાઓ માટે અને તેને જાણીબૂજીને આગળ ફેલાવવા માગનારાઓ માટે ગોદી મિડિયા કામ કરે છે. જે આટલી હદે નીચે નથી જતા એ મૂંગા રહે છે. સત્ય અને નૈતિકતાનો પક્ષ લઈને બોલનારા લગભગ કોઈ નથી.

આપ-લેની સમજૂતી હતી અને દર્શકો અને વાચકો જે આપવામાં આવે તેનું ગ્રહણ કરતાં હતાં. પણ આ યુગ એવો છે જેમાં ચિરંજીવી તો છોડો, દીર્ઘજીવી પણ કોઈ નીવડતું નથી. ઝડપભેર ટેકનોલોજી બદલાય છે. ધીરે ધીરે ગ્રહણ કરનારાઓની સંખ્યા ઘટવા લાગી. કેટલાંકની આંખ ઊઘડી, કેટલાંકને બેવકૂફ બનવા માટે શરમ આવવા લાગી અને કેટલાંક તારસ્વરે ભજવાતી ભવાઈથી કંટાળી ગયાં. રોજરોજ એ જ જમવાનું જે જમાડવામાં આવે! બીજી બાજુ ડીજીટલ મિડિયાની વગ વધવા લાગી. એટલી હદે વધી ગઈ કે ઇલેક્ટ્રોનિક મિડિયા અત્યારે તેની વગ ગુમાવી રહ્યાં છે.

આજે વૃદ્ધો અને બેવકૂફોને છોડીને કોઈ ટી.વી. પર ચાલતી ડીબેટ જોતાં નથી. ઇલેક્ટ્રોનિક મિડિયાની સ્થિતિ એવી છે કે ગુમાવેલાં સમજદાર દર્શકો હવે પાછાં મળી શકે એમ નથી એટલે જેને મારી નાખું, કાપી નાખુંનો ભવાઈનો ખેલ ગમે છે તેને માટે ભવાઈનો ખેલ ભજવવો પડે છે. ઘણાં લોકોનું એવું અનુમાન હતું કે ૨૦૨૪નાં ચૂંટણીનાં પરિણામો પછી ગોદી મિડિયા ‘શોલે’ફિલ્મની પાણીની ટાંકી પરથી નીચે ઉતરશે, પણ એવું બન્યું નથી. કિકિયારીઓ કરનારાઓ અને સીટીઓ વગાડનારાઓ સિવાય કોઈ ઓડિયન્સમાં આવે એમ નથી એટલે એ જ ખેલ ચાલી રહ્યો છે.

આ નાછૂટકાનો ખેલ છે, પણ ભજવવો પડે છે, બાકી તેમને પણ ખબર છે કે આ લાંબો સમય ચાલે એમ નથી. તેમને એ પણ જાણ છે કે જેના લાભાર્થે ખેલ ભજવવામાં આવે છે તેને જ્યારે લાભ મળતો બંધ થઈ જશે ત્યારે તે પણ રઝળતાં મૂકીને જતાં રહેશે. ૨૦૨૪ની ચૂંટણીએ બતાવી આપ્યું છે કે ગોદી મિડિયા કામનાં રહ્યાં નથી. ન્યાયમૂર્તિ સાવંતથી વાયા ન્યાયમૂર્તિ કાત્જુ મિડિયાની આ ત્રણ દાયકાની યાત્રા છે જેમાં હવે અનુશાસનની તો કોઈ વાત જ નથી કરતું. ઓછામાં પૂરું ડીજીટલ મિડિયાની વગ કૂદકે ને ભૂસકે વધી રહી છે અને તેનું આખું જૂદું વિશ્વ છે. લાગત ઓછી અને પહોંચ વધારે.

અહીં એક પ્રશ્ન વિચારવો જોઈએ. શું નવી ટેકનોલોજીએ જૂની ટેકનોલોજીને પરાસ્ત કરી? આવું બનતું હોય છે. એક જમાનામાં નોકિયા પાસે મોબાઈલ ફોનનું ૯૦ ટકા માર્કેટ હતું અને અત્યારે તમે જાણો છો કે માત્ર એક દાયકામાં સમૂળગી કંપની જ ઊઠી ગઈ. પણ અહીં સાવ એવું નથી. ઉદાહરણ આપવું હોય તો અલ ઝઝીરાનું આપી શકાય. અલ ઝઝીરા અને તેના જેવી બીજી કેટલીક ટી.વી. ન્યુઝ ચેનલનાં દર્શકોમાં ઉમેરો થઈ રહ્યો છે. એવી જ રીતે કેટલાંક અખબારો તરફ પણ વાચકો પાછાં વળી રહ્યાં છે. પ્રિન્ટ નહીં તો ડીજીટલ ફોરમેટમાં પણ લોકો છાપાં વાંચતાં થયાં છે. પણ આ લાભ એને મળી રહ્યો છે જે ભરોસાપાત્ર છે. જે કોઈના વાજિંત્ર નથી બન્યાં, સ્વતંત્ર અવાજો છે. તો ટેકનોલોજીએ ઇલેક્ટ્રોનિક મિડિયાને ખતમ નથી કર્યાં, લોકોનો ભરોસો ગુમાવ્યો તેને કારણે ખતમ થયાં છે.

હવે કસોટી ડીજીટલ મિડિયાની થવાની છે. એમાં પણ ખોટા સિક્કા ઘણા છે અને ઉમેરાઈ રહ્યા છે. માત્ર નરેન્દ્ર મોદીની તરફેણમાં નહીં તેમનો વિરોધ કરનારાઓમાં પણ ખોટા સિક્કાની ભરમાર છે. તેમને ખબર છે કે ધ્રુવીકરણના આ યુગમાં નરેન્દ્ર મોદી માટે અણગમો ધરાવનારાઓ પણ મોટી સંખ્યામાં છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીનું સમર્થન અને વિરોધ કરનારાઓનું પ્રમાણ લગભગ ૩૦:૭૦નું છે.

તેમને આમાં કમાવાની તક નજરે પડે છે અને એટલે તેઓ જૂઠ, અર્ધસત્ય અને વધુ તો અતિશયોક્તિનો સહારો લે છે. તમે ભલે નરેન્દ્ર મોદીના વિરોધી હો, પણ પહેલાં માણસ છો જેને ઈશ્વરે બુદ્ધિ આપી છે, વિવેક કરવાની શક્તિ આપી છે, પોતાનાં સંતાનનાં અને એકંદરે સમાજનાં વ્યાપક હિતને પારખવાની દૃષ્ટિ આપી છે. હાથમાં છાપું હોય કે રીમોટ હોય કે મોબાઈલ, માણસ હોવાનું ભાન નહીં ભૂલતા. નહીં તો તમારી સ્થિતિ ઉકરડામાં કચરો ફેંદનારાં ભૂંડ જેવી થશે. કચરો આનો હોય કે પેલાનો એનાથી કોઈ ફરક નથી પડતો. બીજું, તમે કયા મોઢે ભક્તોની ઠેકડી ઉડાડશો? માટે એક જવાબદાર માનવી અને નાગરિક તરીકે સાવધ રહો.

રહી વાત શાસકોની. તો એ બિચારા આ નવી સ્થિતિથી કેમ કામ પાડવું એની તજવીજમાં છે. તેમને ડીજીટલ મિડિયાની વધતી વગની જાણ છે અને તેમને એ પણ જાણ છે ભક્તો કરતાં વિરોધીઓની સંખ્યા ઘણી મોટી છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને એ લોકો પ્રભાવિત કરશે એની પણ તેમને જાણ હતી એટલે સામાન્ય ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ૨૦૨૩ની સાલમાં તેમણે ૨૦૨૧ના ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમન ધારામાં સુધારો કરીને ફેક્ટ ચેક યુનિટની રચના કરવાની જોગવાઈ કરી હતી. આ યુનિટની રચના સરકાર કરે જે નક્કી કરે કે ડીજીટલ મિડિયા પર આપવામાં આવેલી માહિતી સાચી છે કે ખોટી. જો ખોટી હોય તો તેને હટાવી દેવાનું ડીજીટલ મિડિયા હેન્ડલરને કહેવામાં આવે અને જો ન હટાવે તો સજા કરવામાં આવે.

નક્કી કોણ કરે? સરકારે પસંદ કરેલાં માણસો. એ લોકો વિરોધીઓની સાચી માહિતી ખોટી ઠેરવે અને ગોદીજનોની ખોટી માહિતી સામે આંખ આડા કાન કરે અને જો કોઈ ફરિયાદ કરે તો સાચી ઠેરવે. જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ આ જોગવાઈ મુંબઈની વડી અદાલતમાં પડકારી. સુનવાઈ ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની અદાલતમાં ચાલી હતી. ગયા જાન્યુઆરી મહિનામાં બન્ને જજોએ અલગ અલગ અને એકબીજાની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો. ગૌતમ પટેલે કહ્યું હતું એ આ જોગવાઈ બંધારણની વિરુદ્ધ છે. અભિવ્યક્તિ સ્વતંત્રનો આમાં ભંગ થાય છે. દેશ હિતમાં જરૂરી હોય એટલાં જ માફકસરનાં નિયંત્રણોની જે અપેક્ષા છે એના કરતાં આમાં વધારે નિયંત્રણની શક્યતા નજરે પડે છે, કારણ કે સરકાર પોતે નિયંત્રણોમાં ફાયદો જોનાર અને મેળવનાર એક પક્ષ છે.

ન્યાયમૂર્તિ નીલા ગોખલેએ ચુકાદો આપ્યો હતો કે સાચી માહિતી તો સરકાર પાસે જ હોય ને! લોકો પાસે ખોટી માહિતી હોઈ શકે અને એ જનતા સુધી ન પહોંચે એટલા માટે સરકારે કાયદામાં સુધારો કર્યો છે. અહીં માત્ર એટલું જ કહેવાનું કે સરકાર સાચી માહિતી ધરાવતી હોય અને એ માહિતીના આધારે સાચો પક્ષ લેતી હોય તો અદાલતો સરકારને સંડોવતા ખટલા શા માટે સાંભળે છે? ભારતમાં ૮૦ ટકા કેસોમાં સરકાર કાં ફરિયાદી છે અથવા બચાવ પક્ષે છે. ખેર, એ કેસ ત્રીજા ન્યાયમૂર્તિ શરદચન્દ્ર ચાંદુરકરની અદાલતમાં રીવ્યુ માટે મોકલવામાં આવ્યો અને તેમણે ૨૦મી સપ્ટેમ્બરે ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ સાથે સંમત થતો ચુકાદો આપ્યો. હવે સરકાર કદાચ સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં જશે.

ડીજીટલ મિડિયાને અંકુશમાં લેવા સરકાર દરેક પ્રકારના ઉધામા કરવાની છે. એક યુટ્યુબરને જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિએ ખરીદી લીધો હોવાની ખબર આવી છે. ગોદી યુટ્યુબરો પણ મેદાનમાં આવી રહ્યા છે. પણ સમસ્યા એ છે કે ડીજીટલ મિડિયાનું સ્વરૂપ અર્થતંત્ર અલગ છે અને તેને દબોચવું સહેલું નથી. પણ આપણે એક સ્વતંત્ર અને વિવેકી માણસ છીએ. સત્ય અને જૂઠા પ્રચાર વચ્ચે નીરક્ષીર વિવેક કરતાં માણસને આવડે છે. તમે વિવેકી આચરણ કરશો તો ખોટાં લોકો એની મેળે નિરસ્ત થઈ જશે. યાદ રહે, એ લોકોનું અસ્તિત્વ તમારા થકી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top