1991માં સોવિયેત રશિયાથી છુટા પડીને સ્વતંત્ર થવાની યુક્રેને જાહેરાત કરી હતી.એ પછી યુક્રેનની યુરોપીયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી નહોતી. યુક્રેન અમેરિકાના આગેવાની હેઠળના નાટો સંગઠનનુ સભ્ય બનવા માંગે છે પણ રશિયા ઈચ્છતુ નથી કે, યુક્રેન આ સંગઠનમાં જોડાય. રશિયા એ અમેરિકા અને નાટો સંગઠન પાસે ગેરંટ માંગી હતી કે, યુક્રેનને નાટોનુ સભ્ય નહીં બનાવાય પણ અમે્રિકા અને નાટો દેશો આવી ગેરંટી આપવા માટે તૈયાર નહોતા.રશિયાને ડર હતો કે, જો યુક્રેન નાટો દેશોનુ સભ્ય બન્યુ તો યુરોપના અને અમેરિકાના સૈનિકોની તૈનાતી રશિયાની બોર્ડર સુધી થશે. 2014માં ક્રિમિયા પર રશિયાએ નિયંત્રણ સ્થાપિત કરી લીધા બાદ યુક્રેનના ડોનત્સ્ક અને લુહાન્સ્કમાં રશિયન તરફી ભાગલાવાદી જુથોએ આ બંને શહેરોને સ્વાયત્ત ઘોષિત કરી દીધા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ યુક્રેનમાં અમેરિકન સૈનિકો નહીં મોકલે. બાયડેનના નિર્ણય પાછળ ઘણા કારણો છે.
પ્રથમ યુક્રેન અમેરિકાનો પડોશી દેશ નથી અને અમેરિકામાં તેનો કોઈ સૈન્ય મથક નથી. તેલના ભંડાર બંને દેશો વચ્ચે રાજકીય અને વેપાર સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ યુક્રેન પાસે તે પણ નથી. આ દૃષ્ટિકોણથી ભવિષ્યમાં કોઈપણ સમયે યુક્રેનને કારણે અમેરિકાના વેપારને અસર થઈ શકે નહીં. આવી અનેક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, અમેરિકન પ્રમુખ બાઇડન જાહેરાત કરતે કે નહીં કરતે પરંતુ પુટિને જે કરવાનું હતું તે કરવાનું જ હતું તેમ રશિયન સેના યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગઈ છે. લડાઈ ચાલુ જ છે. રશિયન સેનાએ કિવમાં એક એરબેઝ પણ કબજે કરી લીધો છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સમગ્ર યુદ્ધમાં યુક્રેન એકલું પડી ગયું છે. યુદ્ધ પહેલા અમેરિકા અને યુરોપિયન દેશો જે યુક્રેનની તરફેણમાં બોલતા હતા તે હવે દૂર થઈ ગયા છે. યુદ્ધના બે દિવસ પછી પણ યુક્રેનને અમેરિકા કે નાટો તરફથી કોઈ મદદ મળી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નિવેદન આપ્યું છે કે મુશ્કેલીની આ ઘડીમાં બધાએ અમને છોડી દીધા છે. આ તો યુક્રેનની વાત છે આ પહેલા અફઘાનિસ્તાનમાં અલ કાયદાનું શાસન હતું અને તેના વડા ઓસામા બિન લાદેને અમેરિકામાં હુમલો કરાવીને અમેરિકાના જ નાગરિક વિમાનોનો ઉપયોગ કરી ટ્વિન ટાવર તોડી પાડ્યાં હતાં.
આ ઘટનાથી સમસમી ઉઠેલા અમેરિકાએ બદલો લેવા માટે અને અફઘાનિસ્તાનમાંથી તાલિબાનને ઉખેડી ફેંકવા માટે મોરચો ખોલ્યો હતો. તે સમયે અલકાયદા અફઘાનિસ્તાનની પંજશીર ઘાટી પર કબજો કરી શક્યું ન હતું. તે સમયે તાલિબાનો સામે લડવા માટે અમેરિકાને નોર્ધન એલાયન્સે સાથ આપ્યો હતો. તેમના સહકારથી જ અમેરિકા અફઘાનિસ્તાનમાં ઘૂસી શક્યું હતું અને તાલિબાનનો સફાયો કરી નાંખ્યો હતો પરંતુ અમેરિકાની ગરજ પૂર્ણ થઇ જતા જ તેમણે તાલિબાનો સાથે સંધિ કરીને અફઘાનિસ્તાનમાંથી સૈનિકોને પાછા બોલાવી લીધા હતાં. ત્યારે પણ અમેરિકાએ તેને મદદ કરનાર નોર્ધન એલાયન્સ કે પંજશીરના લોકોને એકલા અટૂલા છોડી દીધા હતાં. પંજશીર અંતિમ પ્રાંત હતું જેના પર તાલિબાનનો કબજો નહોતો. તેના પહેલા 15 ઓગષ્ટના રોજ કાબુલ પર વિજય સાથે તાલિબાને સંપૂર્ણ અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો હતો.
આ અમેરિકાએ પંજશીરના લોકો અને નોર્ધન એલાયન્સ સાથે કરેલો દગો હતો. તેવી જ રીતે અમેરિકાના સદ્દામ સામેના તેમજ આઇએસઆઇએસ સામેના જંગમાં કુર્દ લોકોએ મોટી મદદ કરી હતી. અમેરિકા કુર્દની મદદથી જ આઇએસઆઇએસનો સફાયો કરી શકી હતી. કુર્દ લોકો વર્ષોથી શિયા અને સુન્ની બંને કોમ સાથે લડત આપી રહ્યાં છે. અમેરિકાએ જ્યારે આઇએસઆઇએસનો ખાતમો બોલાવવાની શરૂઆત કરી ત્યારે કુર્દે ખભે ખભા મિલાવીને તેમની મદદ કરી હતી. પરંતુ જ્યારે તુર્કીએ કુર્દ લોકોની હિંસા શરૂ કરી અને કુર્દ બહુમત ધરાવતા વિસ્તારોમાં હુમલા શરૂ કર્યા ત્યારે કુર્દોએ અમેરિકાની મદદ માંગી હતી પરંતુ અમેરિકાએ તેમને ધરાર ના પાડી હતી અને એકલા મૂકી દીધા હતા. અમેરિકાનું પીઠબળ છે તેવું માનીને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ચાલી રહ્યાં હતાં પરંતુ તેમણે નોર્ધન એલાયન્સ અને કુર્દો સાથે અમેરિકાએ કરેલી ગદ્દારીની નોંધ લેવી જોઇતી હતી. કારણ કે, અમેરિકા તેની ગરજ હોય ત્યાં સુધી જ સાથ નિભાવે છે પછી કોઇપણ હોય તેને દૂધમાં પડેલી માખીની જેમ ફેંકી દે છે.