સામાન્ય રીતે પ્રિન્ટિન્ગનો વ્યવસાય પુરુષ ડોમિનેટીંગ ગણાય છે પરંતુ રાજકોટના પ્રીતિ વરદાનીએ આ ક્ષેત્રે પોતાનું આગવું નામ પ્રસ્થાપતિ કર્યું છે. જો તમે દિલથી નક્કી કરો કે મારે આ કામ કરવું છે તો કોઈ પણ ક્ષેત્ર હોય, મહિલા પોતે સર્વશ્રેષ્ઠ સાબિત થઇ શકે છે તે પ્રીતિએ બતાવ્યું છે. હાલમાં પ્રીતિ વરદાનીએ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પોતાની પોઝિટિવ ઓળખ ઊભી કરી છે. પ્રીતિ વરદાનીના માનવા મુજબ, વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ ત્યારે જો દરેક સ્ત્રીને સાચા અર્થમાં કે સારા માર્ગદર્શનથી પ્રોત્સાહિત કરીએ તો તેઓ પોતાની આગવી ઓળખાણ ઊભી કરી શકે છે એ જ સાચા અર્થમાં વુમન એમ્પાવરમેન્ટ છે.
પ્રીતિ વરદાનીની કંપની આશાપુરા પ્રિન્ટર્સની સ્થાપના 2004માં એકદમ નાના પાયે થયેલ જે આજે પ્રિન્ટિંગ ક્ષેત્રમાં ખૂબ જ જાણીતું નામ બન્યું છે. પ્રીતિ વરદાની એ પોતાના ફેમિલી બિઝનેસમાં આવતા પહેલાં આ ક્ષેત્ર વિષે ઊંડાણપૂર્વક માહિતી એકત્રિત કરી, પોતાની જાતને તૈયાર કરી અને એક સિસ્ટમેટિક બિઝનેસ પ્લાન તૈયાર કર્યો અને તે હાંસલ કરવા માટે કડી મહેનત કરી. પ્રીતિ વરદાનીના શબ્દોમાં, ‘’શરૂઆતના દિવસોમાં મેં વિવિધ પ્રકારના ચેલેન્જીસ ફેસ કર્યા. એમાં સૌથી વધારે વાક્ય એ સાંભળવા મળતું કે આ પુરુષપ્રધાન ક્ષેત્રમાં તમે એક મહિલા થઈને આ કંપની કેવી રીતે ચલાવી શકશો?
ત્યારે મારો જવાબ એકદમ સરળ હતો કે મને મારા કામ કરવાની રીત પર પૂરેપૂરો ભરોસો છે અને મારા દ્રઢ મનોબળે મને ખૂબ જ ઉત્સાહિત કરી હતી.’’ પ્રીતિએ શરૂઆતના દિવસોમાં ઓર્ડર મેળવવા માટે સતત સંઘર્ષો કર્યા. જેમાં દરરોજ સવારથી સાંજ સુધીમાં 8 થી 10 કંપનીમાં તે રૂબરૂ જાતે મુલાકાત લેતા અને કંપનીના નવા સ્વરૂપ અને ટેક્નોલોજીની વાત કરતા, જેના ફળસ્વરૂપે કામ કરવાના બારમા દિવસે તેમને પહેલો ઓર્ડર મળ્યો અને આ ઓર્ડરથી તેમનું મનોબળ વધારે મક્કમ બન્યું અને ત્યાર પછી પ્રીતિએ આ બિઝનેસમાં પાછું વળીને જોયું નથી. પ્રીતિના શબ્દોમાં, ‘‘પ્રિન્ટિન્ગ ઇન્સ્ટ્રીઝમાં જો તમારે બધા કરતાં અનોખું કરવું હોય તો તમારે નવી ટેક્નોલાજીની મદદથી કસ્ટમરને વેલ્યુ એડિશન આપવું પડે.
કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સતત ચેલેન્જીસ આવતા જ હોય છે અને આ ચેલેન્જીસને ફેસ કરી આગળ વધો ત્યારે જ તમારો આત્મવિશ્વાસ બુલંદ થશે.’’ પ્રીતિ વરદાનીએ આશાપુરા પ્રિન્ટર્સને સતત ઇનોવેશન અને અપગ્રેડેશન કરીને કંપનીને એક નવા મુકામ પર પહોંચાડી છે. એક સાહસિક મહિલા ઉદ્યોગપતિ તરીકે પ્રીતિની ગણના સમગ્ર ગુજરાતમાં થાય છે. પ્રીતિના શબ્દોમાં,’’એક મહિલા તરીકે આજે હું દરેકને એક જ સંદેશ આપીશ, જ્યારે તમે કોઈ કામ શરૂ કરો છો ત્યારે તમને પ્રોત્સાહન આપવા કરતાં વધારે ડરાવનારી વ્યક્તિઓ મળી રહેશે એટલે હું દરેક મહિલાઓને નિવેદન કરું છું કે તમે તમારી જાત ઉપર પૂરો વિશ્વાસ રાખો કેમ કે કુદરતે પણ સ્ત્રીને અદભુત શક્તિઓનું વરદાન આપ્યું છે, તે ધારે તે કાર્ય કરી શકે છે અને પોતાના પર વિશ્વાસ રાખી કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.’’
ubhavesh@hotmail.com