National

બંગાળના અધિકારો પર તરાપ નહીં મારવા દઉં, CAA લાગૂ કરાતા મમતા બેનર્જીએ કેન્દ્ર પર કર્યા આકરા પ્રહારો

કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ને લઈને એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે દેશભરમાં CAA લાગુ કરવામાં આવ્યો છે. CAAના અમલ બાદ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ આનો સખત વિરોધ (Protest) કર્યો છે.

મંગળવારે એક રેલીને સંબોધતા મમતાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ગઈકાલે CAA લાગુ કર્યો હતો. મને તેની માન્યતા પર શંકા છે. સરકાર તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી. તેમણે વધુમાં કહ્યું કે વર્ષ 2019માં આસામમાં NRCના નામ પર હિંદુ બંગાળીઓના 19 લાખ નામોમાંથી 13 લાખ નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. તેમાંથી ઘણાએ આત્મહત્યા કરી. શું તેમને ફરીથી નાગરિકતા આપવામાં આવશે?

મમતાએ કહ્યું કે તેના બાળકોનું ભવિષ્ય શું હશે? તેમની મિલકતનું શું થશે? તમારા તમામ અધિકારો છીનવી લેવામાં આવશે, તમને ‘ગેરકાયદેસર’ જાહેર કરવામાં આવશે. આ તમારો અધિકાર છીનવી લેવાની રમત છે. તમને અટકાયત શિબિરમાં લઈ જવામાં આવશે. હું બંગાળના અધિકારો કોઈને છીનવા નહીં દઉં. મમતાએ પૂછ્યું કે CAA ગઈકાલે જ શા માટે લાગુ કરવામાં આવ્યું. હવે રમઝાન શરૂ થઈ ગયા છે.

એનઆરસીનો પણ વિરોધ કરશે
મમતાએ વધુમાં કહ્યું કે અમે NRCનો પણ વિરોધ કરતા રહીશું. મને માત્ર એ વાતની ચિંતા છે કે શું નવા CAA નિયમો નાગરિકોના અધિકારો છીનવી લેશે. શું હવે તેમની પાસે રહેલા દસ્તાવેજો તેમનું મહત્વ ગુમાવશે?

Most Popular

To Top